વિશ્વ પર્યાવરણ દિનના વૃક્ષારોપણ કાર્યક્રમો મુલતવી રાખવાની પર્યાવરણવિદની રજૂઆતને રાજ્ય સરકારનો સાનુકૂળ પ્રતિસાદ
અમદાવાદ, 19 જૂન : આ વર્ષે 5 જૂનના ‘વિશ્વ પર્યાવરણ દિન’ નિમિતે રાજ્યભરમાં યોજાનારા વૃક્ષારોપણ કાર્યક્રમો અને વિનામૂલ્યે રોપા વિતરણની વ્યવસ્થા અતિશય ગરમી તથા અધિક પુરૂષોત્તમ માસને કારણે ચોમાસું મોડું બેસવાની સંભાવનાને ધ્યાનમાં રાખી મુલતવી રાખવા ગુજરાત સરકાર સમક્ષ પર્યાવરણ અને જાહેરહિત કાર્યકર ચંદ્રવદન ધ્રુવે રજૂઆત કરી હતી. આ રજૂઆતને રાજ્ય સરકારના વિવિધ સ્તરે સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે.
અરજદારે 20 મે, 2026ના રોજ રાજ્યપાલશ્રી, મુખ્યમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રીશ્રી તેમજ વન અને પર્યાવરણ વિભાગના મંત્રીશ્રીઓને ઈ-મેઈલ મારફતે રજૂઆત કરી હતી. રજૂઆતમાં જણાવાયું હતું કે જૂન માસ દરમિયાન અસહ્ય ગરમી અને પૂરતા વરસાદના અભાવે મોટા પ્રમાણમાં વાવવામાં આવતા રોપાઓ સુકાઈ જવાની શક્યતા રહેલી હોવાથી પ્રથમ અસરકારક વરસાદ બાદ જ વ્યાપક વૃક્ષારોપણ કાર્યક્રમો હાથ ધરવા જોઈએ.
આ રજૂઆતને રાજ્યપાલશ્રીના કાર્યાલય, મુખ્યમંત્રી કાર્યાલય તેમજ વન અને પર્યાવરણ વિભાગ દ્વારા ગંભીરતાથી લેવામાં આવી હતી. રાજ્યપાલશ્રીના સચિવાલય દ્વારા વન અને પર્યાવરણ વિભાગને યોગ્ય કાર્યવાહી કરવા માટે પત્ર પાઠવવામાં આવ્યો હતો.અગ્ર મુખ્ય સંરક્ષક ની કચેરી ગાંધીનગર દ્વારા તારીખ 25- 5 – 2026 થી વર્તુળ કચેરી કચ્છ, અમદાવાદ, રાજકોટ, મહેસાણા, ભરૂચ કચેરીને પત્ર લખી રજૂઆતમાં દર્શાવાયેલા મુદ્દાઓને ધ્યાનમાં રાખી સરકારની પ્રવર્તમાન નીતિ મુજબ જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.
ચંદ્રવદન ધ્રુવના જણાવ્યા મુજબ આ વર્ષે 5 જૂનના વિશ્વ પર્યાવરણ દિન નિમિતે રાજ્યભરમાં અગાઉના વર્ષોની સરખામણીએ મુખ્યમંત્રી શ્રી, વન પર્યાવરણ મંત્રીશ્રી તથા અન્ય મંત્રીઓ અને જિલ્લા તાલુકા કક્ષાએ ખૂબ જ મર્યાદિત પ્રમાણમાં વૃક્ષારોપણ કાર્યક્રમો યોજાયા હતા. તેમના મતે પર્યાવરણની સુરક્ષા માટે માત્ર પ્રતીકાત્મક વૃક્ષારોપણ નહીં પરંતુ “જીવંત અને સફળ વૃક્ષારોપણ” વધુ મહત્વનું છે.
તેમણે જણાવ્યું હતું કે સરકાર દ્વારા નાગરિકોની પર્યાવરણલક્ષી અને જાહેરહિતની રજૂઆતને મહત્વ આપી ઝડપી કાર્યવાહી કરવામાં આવી છે, જે આવકારદાયક અને પ્રશંસનીય છે. રાજ્ય સરકારનો આ અભિગમ પર્યાવરણ સંરક્ષણ પ્રત્યેની સંવેદનશીલતા અને જનહિત પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.












Leave a Reply