કોંગ્રેસના નેતા Rahul Gandhiએ કોટામાં યોજાનારા પ્રથમ વિદ્યાર્થી સંમેલન પૂર્વે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ શેર કરીને તેમણે જણાવ્યું કે, દેશમાં વારંવાર થતા પેપર લીક, પરીક્ષાઓ રદ થવી અને ભરતી પ્રક્રિયામાં વિલંબ માત્ર વહીવટી નિષ્ફળતા નથી, પરંતુ લાખો યુવાનોના સપનાઓ પર સીધો પ્રહાર છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે આજે વિદ્યાર્થીઓને તેમની મહેનતનું યોગ્ય પરિણામ મળવાને બદલે સપના જોવાની સજા મળી રહી છે. તેમણે દેશના યુવાનોને નિરાશ ન થવા અને પોતાના ભવિષ્ય માટે સંગઠિત રીતે અવાજ ઉઠાવવાની અપીલ કરી હતી.
કોટાથી શરૂ થશે ‘છાત્રોં કી ગૂંજ’ અભિયાન
આગામી બુધવારે રાજસ્થાનના કોટામાં યોજાનારી ‘છાત્રોં કી ગૂંજ’ મહારેલીને સંબોધતા રાહુલ ગાંધીએ યુવાનોને મોટી સંખ્યામાં જોડાવા આમંત્રણ આપ્યું છે. તેમણે જણાવ્યું કે, જ્યારે સરકાર લોકોનો અવાજ સાંભળતી નથી ત્યારે તે અવાજને વધુ મજબૂત બનાવવાની જરૂર હોય છે.
તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે કોટાથી શરૂ થતો આ અવાજ દેશના ખૂણે-ખૂણે પહોંચશે અને વિદ્યાર્થીઓના હકો માટે એક મજબૂત જનઆંદોલનનું સ્વરૂપ ધારણ કરશે. સાથે જ વિદ્યાર્થીઓને અફવાઓથી દૂર રહીને માત્ર સત્તાવાર માહિતી પર જ ભરોસો રાખવાની સલાહ આપી હતી.
પેપર લીક વિરુદ્ધ કોંગ્રેસનું રાષ્ટ્રવ્યાપી અભિયાન
કોંગ્રેસે પેપર લીક અને પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓ સામે દેશવ્યાપી આંદોલનની જાહેરાત કરી છે. આ અભિયાનનો પ્રથમ તબક્કો કોટાથી શરૂ થશે, જ્યાં વિદ્યાર્થીઓને પોતાની સમસ્યાઓ અને અનુભવો રજૂ કરવા માટે એક સામાન્ય મંચ આપવામાં આવશે.
પક્ષના જણાવ્યા અનુસાર, આ અભિયાનનો હેતુ રાજકીય ભેદભાવથી ઉપર ઉઠીને વિદ્યાર્થીઓના પ્રશ્નોને રાષ્ટ્રીય સ્તરે ઉઠાવવાનો છે તથા સરકાર પાસેથી જવાબદારી અને પારદર્શિતાની માંગ કરવાનો છે.
વિવિધ શહેરોમાં યોજાશે વિદ્યાર્થી સંમેલનો
રાહુલ ગાંધી આગામી સમયમાં દેશના વિવિધ ભાગોમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે સીધો સંવાદ કરશે. કાર્યક્રમોની શ્રેણી અંતર્ગત 10 જુલાઈએ પ્રયાગરાજ, 11 જુલાઈએ પટણા અને 14 જુલાઈએ દિલ્હીમાં વિદ્યાર્થી સંમેલનો યોજાશે.
આ સમગ્ર અભિયાનને સફળ બનાવવા માટે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI, યુથ કોંગ્રેસ, પ્રદેશ કોંગ્રેસ સમિતિઓ અને સ્થાનિક સંગઠનો દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે.













Leave a Reply