બિહારી મંદિર નજીક મંગળવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. મંદિરના ગેટ નંબર-5 નજીક આવેલી ત્રણ માળની એક જૂની ઇમારતનો છજ્જો અચાનક તૂટી પડતાં નીચે પસાર થઈ રહેલા શ્રદ્ધાળુઓ તેની ઝપેટમાં આવી ગયા હતા. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 7 શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે.
ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને સુરક્ષાકર્મીઓ તાત્કાલિક બચાવ કામગીરીમાં જોડાયા હતા. ઘાયલોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
પ્રાથમિક તપાસ મુજબ, મંદિરની સાંકડી ગલીમાં આવેલું આ ખાનગી મકાન ઘણું જૂનું અને જર્જરિત હાલતમાં હતું. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, અકસ્માત સમયે છજ્જા પર મોટી સંખ્યામાં વાંદરાઓ બેઠા હતા. તેમના વધેલા વજન અને સતત કૂદાકૂદના કારણે નબળો પડી ગયેલો છજ્જો અચાનક તૂટી પડ્યો હતો.
પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે અકસ્માત સમયે ગલીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અવરજવર કરી રહ્યા હતા. અચાનક છજ્જો ધરાશાયી થતાં લોકોને બચવાની તક પણ મળી નહોતી, જેના કારણે અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
અકસ્માત બાદ વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હાલ સ્થાનિક પ્રશાસન દ્વારા ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે, જ્યારે હોસ્પિટલમાં ઘાયલ ભક્તોની સારવાર ચાલુ છે.














Leave a Reply