Yes TV

News Website

અમદાવાદ શહેરની ચોંકાવનારી હકીકત : એક વર્ષમાં પીવાના પાણીની 17000થી વધુ ફરિયાદ

અમદાવાદ શહેરની ચોંકાવનારી હકીકત : એક વર્ષમાં પીવાના પાણીની 17000થી વધુ ફરિયાદ
Views 9

એક સમય હતો જ્યારે રાજાઓ અને તેમના અધિકારીઓ વેશપલટો કરીને પ્રજાની વાસ્તવિક સ્થિતિ જાણવા નીકળતા હતા. પરંતુ આધુનિક સમયમાં શાસકો અને અધિકારીઓ સામાન્ય લોકોની સમસ્યાઓથી દૂર થતા જઈ રહ્યા હોવાની ચર્ચા વચ્ચે અમદાવાદમાં પીવાના દૂષિત પાણીનો મુદ્દો વધુ ગંભીર બન્યો છે.

ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદમાં પીવાના પાણીની ગુણવત્તાને લઈને ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. શહેરમાં છેલ્લા એક વર્ષ દરમિયાન પાણી પુરવઠા સંબંધિત કુલ 74,242 ફરિયાદો નોંધાઈ હતી, જેમાંથી 17,847 ફરિયાદો દૂષિત પાણીને લગતી હતી.

તાજેતરમાં મુખ્યમંત્રીના મતવિસ્તાર ઘાટલોડિયામાં દૂષિત પાણી પીવાના કારણે એક હજારથી વધુ લોકો બીમાર પડ્યા હોવાની ઘટના સામે આવી હતી. બીજી તરફ, શહેરી વિકાસ મંત્રીના વિસ્તારમાં પણ પાણીની સમસ્યાથી કંટાળેલા લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. આ ઘટનાઓ બાદ પણ શહેરવ્યાપી સમસ્યાના કાયમી ઉકેલ માટે કોઈ અસરકારક એક્શન પ્લાન જાહેર થયો નથી.

અમદાવાદના ઐતિહાસિક કોટ વિસ્તારમાં આજે પણ અનેક ઘરોમાં દૂષિત પાણી આવવાની ફરિયાદો છે. નિષ્ણાતોના મતે, વિકાસકામો દરમિયાન થતું આડેધડ ખોદકામ તેમજ પાણી અને ડ્રેનેજ લાઈનોના અપૂરતા આયોજનના કારણે સમસ્યા વધુ વકરી રહી છે. પશ્ચિમ અમદાવાદના ઘાટલોડિયાથી લઈને શેલા વિસ્તાર સુધી પાણીની ગુણવત્તા અંગે સતત ફરિયાદો મળી રહી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા મેયર અને કમિશનર નિયમિતપણે રસ્તા અને બ્રિજના વિકાસકાર્યોની સમીક્ષા કરી રહ્યા છે, પરંતુ નાગરિકોની પ્રાથમિક જરૂરિયાત એવા શુદ્ધ પીવાના પાણીના પ્રશ્ને પૂરતું ધ્યાન અપાઈ રહ્યું નથી તેવી ફરિયાદો ઉઠી રહી છે.

અમદાવાદ શહેરમાં મુખ્યમંત્રી, શહેરી વિકાસ મંત્રી, ત્રણ સાંસદ, 12 ધારાસભ્યો અને 192 કોર્પોરેટરો સહિતનું મજબૂત રાજકીય પ્રતિનિધિત્વ છે. તેમ છતાં નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી જેવી મૂળભૂત સુવિધા માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે, જે વહીવટી તંત્ર અને રાજકીય નેતૃત્વ સામે સવાલો ઊભા કરે છે.

બીજી તરફ, મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષની ભૂમિકા ભજવતી કોંગ્રેસ પર પણ લોકોના પ્રશ્નોને લઈને અસરકારક લડત ન આપવાના આક્ષેપ થઈ રહ્યા છે. સત્તાધીશો અને વિપક્ષ બંને પ્રજાની અપેક્ષાઓ પર કેટલા ખરા ઉતરી રહ્યા છે તે અંગે ચર્ચા તેજ બની છે.

અમદાવાદમાં એક વર્ષ દરમિયાન પાણી સંબંધિત ફરિયાદો

• દૂષિત પાણી – 17,847
• પાણી નથી આવતું – 26,754
• લો પ્રેશર – 7,852
• લાઈન લીકેજ – 18,998
• અન્ય ફરિયાદો – 2,791

કુલ ફરિયાદો – 74,242

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *