અમદાવાદ: શહેરના વિશાલા સર્કલથી નારોલ તરફ જતાં મુખ્ય માર્ગ પર મેટ્રો નજીક આવેલી ઝૂંપડપટ્ટીમાં બુધવારે (10 જૂન) બપોરના સમયે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે જોતજોતામાં અનેક ઝૂંપડાં તેની ઝપેટમાં આવી ગયા હતા.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર કંટ્રોલ રૂમને જાણ કરી હતી. આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફાયર બ્રિગેડની અનેક ટીમો, ફાયર ફાઈટર વાહનો અને પાણીના ટેન્કરોને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. ફાયર વિભાગે તાત્કાલિક કામગીરી હાથ ધરી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો.
પ્રાથમિક માહિતી અનુસાર, આગ ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબ અને શ્રમિક પરિવારોના રહેઠાણોમાં લાગી હતી. ઝૂંપડાંમાં વપરાયેલા સુકા વાંસ, પ્લાસ્ટિક અને અન્ય જ્વલનશીલ સામગ્રીના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની ઘટનામાં અનેક પરિવારોની ઘરવખરી અને જરૂરી સામાન બળીને ખાખ થઈ ગયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સદનસીબે કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. ફાયર વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.














Leave a Reply