નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતના ઇતિહાસમાં સતત સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા ચૂંટાયેલા વડાપ્રધાન બની ગયા છે. તેમણે પોતાના કાર્યકાળના 4,399 દિવસ પૂર્ણ કરીને દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુનો લાંબા સમયથી અખંડિત રહેલો રેકોર્ડ પાછળ છોડી દીધો છે. આ સાથે પીએમ મોદીએ કેન્દ્રમાં પોતાના 12 વર્ષથી વધુના કાર્યકાળ દરમિયાન એક નવી ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે.
આ અવસરે વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સંદેશ શેર કરતાં જણાવ્યું હતું કે, “જનસેવા જ સુશાસનની સૌથી મોટી કસોટી છે. નમ્રતા, સમર્પણ અને કર્તવ્યનિષ્ઠા સાથે કરવામાં આવતું કાર્ય જ લોકોનો વિશ્વાસ જીતે છે.”
12 વર્ષ પૂર્ણ થવા પર દેશવાસીઓને સંદેશ
કેન્દ્રમાં ભાજપ સરકારના 12 વર્ષ પૂર્ણ થતાં વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને સંબોધતા જણાવ્યું હતું કે, “રાષ્ટ્ર નિર્માણ માટે સમર્પણ અને સેવાભાવ અમારી સૌથી મોટી શક્તિ રહી છે. ‘સબકા સાથ, સબકા વિકાસ’ના મંત્રથી પ્રેરિત પ્રયાસોના પરિણામે ભારત આજે વધુ સશક્ત, આત્મનિર્ભર અને વિકાસશીલ દેશ તરીકે આગળ વધી રહ્યું છે.”
વૈશ્વિક સ્તરે પણ મળી શુભેચ્છાઓ
પીએમ મોદીની આ સિદ્ધિ બદલ વિશ્વભરમાંથી તેમને અભિનંદન મળી રહ્યા છે. અમેરિકન દૂત સર્જિયો ગોરેએ સોશિયલ મીડિયા પર અભિનંદન પાઠવતા લખ્યું કે, “ભારતના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા ચૂંટાયેલા વડાપ્રધાન બનવા બદલ નરેન્દ્ર મોદીને હાર્દિક શુભેચ્છાઓ. આ સિદ્ધિ તેમની દાયકાઓ લાંબી જનસેવા અને મજબૂત નેતૃત્વનું પ્રતિબિંબ છે.”
કેવી રીતે તૂટ્યો નેહરુનો રેકોર્ડ?
જવાહરલાલ નેહરુ વર્ષ 1947થી 1964 સુધી વડાપ્રધાન પદ પર રહ્યા હતા. જોકે તેમના કાર્યકાળમાં ભારતની પ્રથમ સામાન્ય ચૂંટણી (1951-52) પહેલાંનો સમયગાળો પણ સામેલ હતો. જ્યારે નરેન્દ્ર મોદી 26 મે, 2014ના રોજ પ્રથમ વખત લોકશાહી પ્રક્રિયા દ્વારા ચૂંટાઈને વડાપ્રધાન બન્યા હતા અને ત્યારબાદ 2019 તથા 2024ની લોકસભા ચૂંટણીમાં સતત જનસમર્થન મેળવી ત્રીજી વખત દેશના વડાપ્રધાન બન્યા છે.
પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીનો કુલ કાર્યકાળ લગભગ 16 વર્ષનો રહ્યો હતો, પરંતુ તે બે અલગ-અલગ સમયગાળામાં વહેંચાયેલો હતો. પરિણામે, સતત લોકમતના આધારે સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે હવે નરેન્દ્ર મોદીનું નામ દેશના રાજકીય ઇતિહાસમાં નોંધાયું છે.














Leave a Reply