Yes TV

News Website

NEET પેપર લીક મુદ્દે ‘કોકરોચ જનતા પાર્ટી’નું જંતર-મંતર પર પ્રદર્શન, બોલિવૂડ સેલેબ્સનો ખુલ્લો સમર્થન

NEET પેપર લીક મુદ્દે ‘કોકરોચ જનતા પાર્ટી’નું જંતર-મંતર પર પ્રદર્શન, બોલિવૂડ સેલેબ્સનો ખુલ્લો સમર્થન
Views 9

નવી દિલ્હી: NEET પેપર લીક મુદ્દે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેલી ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) દ્વારા આજે (6 જૂન) દિલ્હીના જંતર-મંતર ખાતે વિશાળ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનને દિલ્હી પોલીસ તરફથી સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે. દેશભરના યુવાનો દ્વારા ચલાવવામાં આવી રહેલા આ અભિયાનને હવે બોલિવૂડના અનેક કલાકારોનું સમર્થન મળતું જોવા મળી રહ્યું છે.

રિચા ચઢ્ઢાએ વ્યક્ત કર્યો સમર્થન

બોલિવૂડ અભિનેત્રી રિચા ચઢ્ઢાએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક લાંબી પોસ્ટ શેર કરીને આ આંદોલનને સમર્થન આપ્યું છે. તેમણે લખ્યું કે, “હું હાલમાં ઓકલેન્ડમાં છું, જ્યાં વિશ્વની સૌથી શુદ્ધ હવા છે, પરંતુ મારું મન દિલ્હીમાં છે. દિલ્હી મારા બાળપણ, શાળા અને કોલેજની યાદો સાથે જોડાયેલું શહેર છે. હું દેશના યુવાનોને પ્રેમ અને શુભેચ્છાઓ મોકલું છું. આશા છે કે તમે દેખાડાના દેશભક્ત નહીં, પરંતુ સાચા અર્થમાં જવાબદાર અને સંવેદનશીલ નાગરિક બનશો. હું દિલથી તમારી સાથે છું.”

પોસ્ટના અંતમાં તેમણે પ્રતીકાત્મક સંદેશ આપતા લખ્યું કે, “જ્યારે પૃથ્વી પર ઉલ્કાપિંડ અથડાયો ત્યારે વિશાળ ડાયનાસોરનો નાશ થઈ ગયો હતો, પરંતુ કોકરોચ બચી ગયા હતા અને લાંબા સમય સુધી ટકી રહ્યા હતા.”

અતુલ કુલકર્ણીએ યુવાનોની માફી માગી

અભિનેતા અતુલ કુલકર્ણીએ પણ સોશિયલ મીડિયા મારફતે યુવાનોને સમર્થન આપતા ભાવુક સંદેશ શેર કર્યો હતો. તેમણે લખ્યું કે, “પ્રિય યુવાનો, તમે જ્યારે પોતાના હક અને ભવિષ્ય માટે અવાજ ઉઠાવી રહ્યા છો, ત્યારે મારી તમારી પાસેથી ઘણી અપેક્ષાઓ છે. અમારી પેઢી અને અગાઉની પેઢીઓ કેટલીક જવાબદારીઓ યોગ્ય રીતે નિભાવી શકી નથી. અમે એવી સમસ્યાઓ છોડી છે જેનો સામનો હવે તમને કરવો પડી રહ્યો છે. તેના માટે હું તમારી માફી માંગુ છું. આશા છે કે તમે ઈમાનદારી અને જવાબદારી સાથે દેશને વધુ સારું ભવિષ્ય આપશો.”

શા માટે થઈ રહ્યું છે આ પ્રદર્શન?

‘કોકરોચ જનતા પાર્ટી’ દ્વારા આયોજિત આ વિરોધ પ્રદર્શન NEET પરીક્ષાના પેપર લીક મામલે જવાબદારી નક્કી કરવાની માંગ સાથે કરવામાં આવી રહ્યું છે. આંદોલનકારીઓ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી રહ્યા છે.

પ્રદર્શનને ધ્યાનમાં રાખીને જંતર-મંતર અને નવી દિલ્હી વિસ્તારની સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે 1,000થી વધુ પોલીસ કર્મચારીઓ તહેનાત કરવામાં આવ્યા છે.

અન્ય સેલેબ્સે પણ આપ્યું સમર્થન

બિગ બોસ-19ની સ્પર્ધક અને અભિનેત્રી કુનિકા સદાનંદ તેમજ જાણીતા અભિનેતા પ્રકાશ રાજે પણ આ આંદોલનને સમર્થન આપ્યું છે. બંનેએ યુવાનોને મોટી સંખ્યામાં પ્રદર્શનમાં જોડાવા અપીલ કરી છે.

પ્રકાશ રાજે જણાવ્યું કે, “કોકરોચ જનતા પાર્ટીએ એવા મુદ્દાઓને અવાજ આપ્યો છે જે લાંબા સમયથી અવગણવામાં આવી રહ્યા હતા. જ્યારે સામાન્ય નાગરિકોની વાત સાંભળવામાં આવતી નથી, ત્યારે આવા સર્જનાત્મક અને અનોખા વિરોધના રસ્તા અપનાવવા પડે છે.”

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *