Yes TV

News Website

ગુજરાતમાં મિની વાવાઝોડા સાથે તોફાની વરસાદ: અનેક જિલ્લાઓમાં વૃક્ષો ધરાશાયી

ગુજરાતમાં મિની વાવાઝોડા સાથે તોફાની વરસાદ: અનેક જિલ્લાઓમાં વૃક્ષો ધરાશાયી
Views 10

અમદાવાદ: હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના વાતાવરણમાં સોમવારની સાંજથી અચાનક મોટો પલટો જોવા મળ્યો હતો. અમદાવાદ સહિત મધ્ય અને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં ધૂળની ડમરીઓ, પ્રચંડ પવન અને ગાજવીજ સાથે તોફાની વરસાદ ખાબકતાં જનજીવન પ્રભાવિત થયું હતું. દિવસભરની અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદે લોકોને રાહત આપી હતી, પરંતુ અનેક વિસ્તારોમાં ભારે નુકસાન અને અફરાતફરીના દૃશ્યો પણ સર્જાયા હતા.

મહીસાગર જિલ્લાના લુણાવાડા અને કડાણા પંથકમાં વાવાઝોડાએ ભારે તારાજી સર્જી હતી. અનેક સ્થળોએ મહાકાય વૃક્ષો ધરાશાયી થતાં માર્ગ વ્યવહાર ખોરવાયો હતો. એક સ્થળે માર્ગ પર વૃક્ષ પડતાં બાઈકસવાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો, જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

અરવલ્લી જિલ્લામાં પણ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધનસુરા-મોડાસા હાઇવે પર વિશાળ વૃક્ષ ધરાશાયી થતાં વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો. પોલીસે ભારે જહેમત બાદ વૃક્ષ હટાવી માર્ગ ફરી શરૂ કરાવ્યો હતો. માલપુરની બગીચા સોસાયટીમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

સાબરકાંઠાના હિંમતનગર અને આસપાસના વિસ્તારોમાં મોડી સાંજે ભારે પવન અને વરસાદના કારણે વીજ લાઈનોને નુકસાન પહોંચ્યું હતું. પરિણામે અનેક શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાયો હતો.

છોટા ઉદેપુર જિલ્લાના જેતપુર પાવી સહિતના વિસ્તારોમાં ધૂળની ડમરીઓ સાથે ભારે પવન ફૂંકાતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. દૃશ્યતા ઘટી જતાં માર્ગો પર વાહનોની ગતિ ધીમી પડી હતી. વીજ લાઈનોમાં ટેકનિકલ ખામી સર્જાતા અનેક ગામોમાં અંધારપટ છવાઈ ગયો હતો.

ગોધરામાં ભારે વરસાદના કારણે આનંદનગર વિસ્તારમાં નિર્માણાધીન પુલ નજીક ધોવાણની ઘટના સામે આવી હતી. કોઝવેના કામ દરમિયાન વાહનવ્યવહાર માટે બનાવવામાં આવેલું કામચલાઉ માટીનું ડાયવર્ઝન વરસાદી પાણીમાં ધોવાઈ જતાં અવરજવર પ્રભાવિત થઈ હતી.

ખેડા જિલ્લાના નડિયાદ, મહેમદાવાદ, મહુધા, કઠલાલ, કપડવંજ, ડાકોર, ઠાસરા અને માતર પંથકમાં મિની વાવાઝોડા સાથે વરસાદ નોંધાયો હતો. માતરમાં વંટોળ અને ધૂળની ડમરીઓએ લોકોને દોડતા કરી દીધા હતા, જ્યારે ખંભાતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે તોફાની વરસાદ વરસ્યો હતો.

અમદાવાદ શહેરમાં પણ મોડી રાત્રે ભારે પવન અને ધૂળની ડમરીઓ વચ્ચે વરસાદી માહોલ સર્જાયો હતો. ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના કાનપુર અને વાસણા ચૌધરી સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ નોંધાયો હતો. વડોદરા અને દાહોદના સંજેલી વિસ્તારમાં પણ વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

એક તરફ આ વરસાદે લોકોને ગરમી અને બફારાથી રાહત અપાવી છે, તો બીજી તરફ અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવા, વીજ પુરવઠો ખોરવાવા અને માર્ગ વ્યવહાર પ્રભાવિત થવાની ઘટનાઓએ પ્રિ-મોન્સૂન તૈયારીઓ સામે પણ અનેક પ્રશ્નો ઉભા કર્યા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *