અમદાવાદમાં રમાયેલી IPL 2026ની ફાઇનલમાં વિરાટ કોહલીની શાનદાર અણનમ 75 રનની ઇનિંગના આધારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)એ ગુજરાત ટાઇટન્સને પાંચ વિકેટે હરાવી સતત બીજી વખત IPL ટ્રોફી પોતાના નામે કરી. 156 રનના લક્ષ્યાંકનો પીછો કરતી RCBએ બે ઓવર બાકી રાખીને જીત મેળવી હતી. કોહલીએ 42 બોલમાં 9 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી મેચ વિજેતા ઇનિંગ રમી હતી. જીત માટે એક રનની જરૂર હતી ત્યારે તેણે અર્શદ ખાનના બોલ પર છગ્ગો ફટકારી મેચનો અંત કર્યો હતો.
આ જીત સાથે RCB, ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ બાદ સતત બે IPL ખિતાબ જીતનારી ત્રીજી ટીમ બની છે.
ટોસ જીતીને RCBએ ગુજરાત ટાઇટન્સને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ભુવનેશ્વર કુમાર (2/29), જોશ હેઝલવુડ (2/37) અને રસિખ સલામ (3/27)ની અસરકારક બોલિંગ સામે ગુજરાત ટાઇટન્સ 20 ઓવરમાં 8 વિકેટે માત્ર 155 રન જ બનાવી શક્યું હતું.
ગુજરાત માટે કેપ્ટન શુભમન ગિલ અને સાઈ સુદર્શનની શરૂઆત નિરાશાજનક રહી હતી. બંને બેટ્સમેન 26 રનના સ્કોર સુધીમાં જ પેવેલિયન ભેગા થતાં ટીમ દબાણમાં આવી ગઈ હતી. સમગ્ર ઇનિંગ દરમિયાન કોઈ પણ બેટ્સમેન ઝડપી ગતિએ મોટી ઇનિંગ રમી શક્યો નહોતો.
વોશિંગ્ટન સુંદર એક છેડે અણનમ રહી 37 બોલમાં 50 રનની લડાયક ઇનિંગ રમી હતી, જેમાં 5 ચોગ્ગાનો સમાવેશ થતો હતો. તેની ઇનિંગના કારણે ગુજરાત 155 રન સુધી પહોંચી શક્યું હતું. ગુજરાતે પ્રથમ 10 ઓવરમાં 3 વિકેટે 63 રન બનાવ્યા હતા, જ્યારે છેલ્લી 10 ઓવરમાં 92 રન ઉમેર્યા હતા.
લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી RCBને વિરાટ કોહલી અને વેંકટેશ અય્યરે આક્રમક શરૂઆત અપાવી હતી. ખાસ કરીને કાગિસો રબાડાની શરૂઆતની બે ઓવરમાં જ RCBએ 37 રન ફટકાર્યા હતા. પાવરપ્લેના અંતે ટીમનો સ્કોર 2 વિકેટે 70 રન હતો.
વેંકટેશ અય્યરે 16 બોલમાં 32 રનની ઝડપી ઇનિંગ રમી હતી, જેમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થતો હતો. પ્રથમ વિકેટ માટે બંનેએ 62 રનની ભાગીદારી નોંધાવી હતી.
મધ્ય ઓવરોમાં રાશિદ ખાને રજત પાટીદાર (15) અને કૃણાલ પંડ્યાને (1) આઉટ કરીને ગુજરાતને થોડી આશા અપાવી હતી. જોકે, કોહલીએ શાંત અને સંયમપૂર્ણ બેટિંગ ચાલુ રાખી હતી. ટીમ ડેવિડ (24) સાથે તેણે 41 રનની મહત્વપૂર્ણ ભાગીદારી નોંધાવી હતી.
અંતિમ તબક્કામાં જીતેશ શર્માએ અણનમ 11 રન બનાવી કોહલીનો સાથ આપ્યો હતો અને ટીમને વિજય સુધી પહોંચાડી હતી.
વિરાટ કોહલી માટે આ સિદ્ધિ ખાસ રહી હતી. IPLની સતત 19મી સિઝનમાં રમતા કોહલીએ ફાઇનલમાં પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો હતો. ઘૂંટણમાં ક્રેમ્પની સમસ્યા હોવા છતાં તેણે શાનદાર ઇનિંગ રમી હતી. તેણે માત્ર 25 બોલમાં પોતાની અડધી સદી પૂર્ણ કરી હતી.
17 વર્ષ સુધી IPL ટ્રોફી માટે રાહ જોનારી RCBએ હવે સતત બે વર્ષમાં બે ખિતાબ જીતી પોતાની સફળતાનો નવો અધ્યાય લખ્યો છે.












Leave a Reply