અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની નવી ટર્મની પ્રથમ બોર્ડ બેઠકમાં ભાજપ હાઈકમાન્ડ દ્વારા મોકલાયેલા બંધ કવરમાંથી આગામી અઢી વર્ષ માટેના પદાધિકારીઓના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. અગાઉથી ચર્ચામાં રહેલા નામોને જ મંજૂરી મળતા પશ્ચિમ ઝોનના થલતેજ વોર્ડના કોર્પોરેટર હિતેશ બારોટ અમદાવાદના નવા મેયર બન્યા છે.
AMCના નવા પદાધિકારીઓની જાહેરાત
મેયર પદ માટે હિતેશ બારોટની પસંદગી કરવામાં આવી છે, જ્યારે સાબરમતી વોર્ડના કોર્પોરેટર અંજુબેન શાહને ડેપ્યુટી મેયર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ખોખરા વોર્ડના કમલેશ પટેલની વરણી કરવામાં આવી છે. ઉપરાંત શાહીબાગ વોર્ડના જશુભાઈ ઠાકોરને શાસક પક્ષના નેતા અને ચાંદખેડા વોર્ડના અતુલ મિશ્રાને દંડક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
શહેરના વિકાસને મળશે નવી દિશા : હિતેશ બારોટ
મેયર તરીકેની પસંદગી બાદ હિતેશ બારોટે જણાવ્યું હતું કે અમદાવાદ દેશના સૌથી ઝડપથી વિકસતા શહેરોમાંનું એક છે અને તેને વૈશ્વિક સ્તરે વધુ સક્ષમ અને આધુનિક શહેર તરીકે વિકસાવવું તેમની પ્રાથમિકતા રહેશે. તેમણે શહેરના વિકાસ, ટ્રાફિક વ્યવસ્થાપન, ચોમાસા પૂર્વેની તૈયારીઓ અને આગામી મોટા પ્રોજેક્ટ્સને સમયસર પૂર્ણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
નાગરિકોની જરૂરિયાતો રહેશે પ્રથમ પ્રાથમિકતા
હિતેશ બારોટે જણાવ્યું હતું કે શહેરના નાગરિકોની પાયાની સુવિધાઓ અને જરૂરિયાતોને સંતોષવી તેમની પ્રથમ પ્રાથમિકતા રહેશે. અમદાવાદ પહેલેથી જ વિકાસની દિશામાં અગ્રેસર છે, પરંતુ તેને વધુ સુવિધાસભર અને સ્માર્ટ શહેર બનાવવા માટે મહાનગરપાલિકા સતત પ્રયાસ કરશે.
ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સ માટે તૈયારીઓ
અમદાવાદમાં ભવિષ્યમાં યોજાનારી આંતરરાષ્ટ્રીય કક્ષાની રમતોને ધ્યાનમાં રાખીને તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ શહેરને વૈશ્વિક સ્તરના રમતગમત આયોજન માટે તૈયાર કરવામાં આવશે. મહાનગરપાલિકા હસ્તકના તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત કામો સમયમર્યાદામાં પૂર્ણ કરવા પર ભાર મુકવામાં આવશે.
ટ્રાફિક અને પાણી ભરાવાની સમસ્યાના ઉકેલ પર ફોકસ
શહેરમાં વધતી વસ્તી અને વાહનોની સંખ્યાને કારણે ટ્રાફિકની સમસ્યા ગંભીર બની હોવાનું જણાવતાં મેયરે કહ્યું કે પોલીસ અને AMC વચ્ચે વધુ સારા સંકલન દ્વારા ટ્રાફિક વ્યવસ્થાને મજબૂત બનાવવામાં આવશે. ઉપરાંત ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યાના કાયમી નિવારણ માટે પણ અસરકારક પગલાં લેવામાં આવશે.
વિકાસકામો એક સતત પ્રક્રિયા
વિકાસકામો અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં હિતેશ બારોટે જણાવ્યું કે કોર્પોરેશનમાં વિકાસકામો ક્યારેય પૂર્ણ થતા નથી. સમય અને જરૂરિયાત મુજબ નવા પ્રોજેક્ટ્સ તથા સુવિધાઓ ઉમેરાતી રહે છે. નાગરિકોની બદલાતી અપેક્ષાઓને ધ્યાનમાં રાખીને સ્માર્ટ અને જનઉપયોગી સેવાઓ સમયસર ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ કરવામાં આવશે.
મેયર પદ માટે અનેક નામો ચર્ચામાં હતા
મેયર પદ માટે હિતેશ બારોટ ઉપરાંત ધરમશી દેસાઈ, જશુભાઈ ઠાકોર અને રાજુ ઠાકોરના નામો પણ ચર્ચામાં હતા. જોકે, ગત ટર્મમાં મેયર મધ્ય ઝોનમાંથી હોવાથી આ વખતે પશ્ચિમ ઝોનના પ્રતિનિધિને તક મળવાની સંભાવના વધુ હતી. અંતે ભાજપ હાઈકમાન્ડે હિતેશ બારોટના નામ પર મહોર મારતા તેઓ અમદાવાદના નવા મેયર તરીકે ચૂંટાયા છે.












Leave a Reply