Yes TV

News Website

સચિવાલયમાં શોર્ટ સર્કિટથી જોરદાર ધડાકો: 4 કર્મચારીઓ દાઝ્યા

સચિવાલયમાં શોર્ટ સર્કિટથી જોરદાર ધડાકો: 4 કર્મચારીઓ દાઝ્યા
Views 89

ગાંધીનગર સ્થિત રાજ્યના સચિવાલય પરિસરમાં આજે એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. સચિવાલયના બ્લોક નંબર-13 નજીક આવેલા પાવર સપ્લાય ટ્રાન્સમિશન વાયરીંગમાં અચાનક શોર્ટ સર્કિટ થતા જોરદાર વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં માર્ગ અને મકાન વિભાગના બે વાયરમેન સહિત કુલ ચાર કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે.

ટ્રાન્સમિશન લાઇનમાં વિસ્ફોટથી અફરાતફરી

પ્રાપ્ત માહિતી અનુસાર, નર્મદા વિભાગ અને માર્ગ-મકાન વિભાગની વચ્ચે આવેલા બ્લોક નંબર-13ની નીચે પાવર સપ્લાય લાઇનમાં શોર્ટ સર્કિટ સર્જાતા જોરદાર ભડાકો થયો હતો. ઘટનામાં ફરજ પર રહેલા બે વાયરમેન ગંભીર રીતે દાઝી ગયા હતા, જ્યારે અન્ય એક કર્મચારીના બંને હાથ દાઝી ગયા હોવાનું જાણવા મળ્યું છે. ઉપરાંત અન્ય કેટલાક લોકોને પણ સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે સમગ્ર સચિવાલય પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

અનેક બ્લોકમાં વીજ પુરવઠો ખોરવાયો

વિસ્ફોટના કારણે સચિવાલયના વીજ પુરવઠા પર પણ અસર પડી હતી. સ્વર્ણિમ સંકુલ-2 સહિત બ્લોક નંબર 8થી 14 સુધીના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. સુરક્ષાના પગલાંરૂપે અનેક બ્લોકમાં લિફ્ટ સેવાઓ તાત્કાલિક બંધ કરી દેવામાં આવી હતી. જોકે, તંત્રની ઝડપી કામગીરીના કારણે સ્વર્ણિમ સંકુલ-2માં થોડા સમય બાદ વીજ પુરવઠો ફરી શરૂ કરવામાં આવ્યો હતો.

પાવરલોડ વધવાથી અકસ્માત થયો હોવાની ચર્ચા

સચિવાલયના સૂત્રોના જણાવ્યા મુજબ, ઘટનાના પ્રાથમિક કારણ તરીકે પાવરલોડને જવાબદાર માનવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકારે સચિવાલયને સેન્ટ્રલ એસી સિસ્ટમથી સજ્જ કરવા માટે અગાઉથી જ કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે. તેમ છતાં અનેક કચેરીઓ અને ચેમ્બરોમાં સત્તાવાર મંજૂરી વગર અલગથી એસી યુનિટ્સ સ્થાપિત કરવામાં આવ્યા હોવાનું કહેવાય છે. આ વધારાના વીજભારના કારણે ટ્રાન્સમિશન લાઇન પર દબાણ વધ્યું હોવાનું અને તેના પરિણામે શોર્ટ સર્કિટ તથા વિસ્ફોટ થયો હોવાની ચર્ચા ચાલી રહી છે.

હાલ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ તેમજ વીજ કંપનીની ટીમ દ્વારા સમારકામ અને વીજ વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *