Yes TV

News Website

સેટેલાઇટમાં જમીન વિવાદમાં ફાયરિંગ કરનાર નિવૃત્ત DySP અશોક ચૌહાણ, પુત્ર, પુત્રીની ધરપકડ

સેટેલાઇટમાં જમીન વિવાદમાં ફાયરિંગ કરનાર નિવૃત્ત DySP અશોક ચૌહાણ, પુત્ર, પુત્રીની ધરપકડ
Views 8

જમીનના વિવાદમાં સેટેલાઇટ વિસ્તારમાં નિવૃત્ત DySP અશોક ચૌહાણે ધડાધડ પાંચ રાઉન્ડ ફાયરિંગ કરી દીધું હતું. આ કેસમાં સેટેલાઇટ પોલીસે નિવૃત્ત DySP અશોક ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. જ્યારે એક દીકરો 14 વર્ષનો સગીર હોવાથી તેની ધરપકડ કરવામાં આવી નથી. આ ઘટનાના પડઘા છેક ગાંધીનગર અને દિલ્હી સુધી પડ્યા છે. બીજી તરફ, જ્યારે અશોક ચૌહાણની ધરપકડ કરવામાં આવી ત્યારે તેમણે આખું સેટેલાઇટ પોલીસ સ્ટેશન માથે લીધું હતું અને પોતાની ધરપકડ પોલીસે ખોટી રીતે કરી હોવાના આક્ષેપ કર્યા હતા. સાથે સાથે પોલીસે પોતાની ફરિયાદ ન લેતી હોવાના આક્ષેપ પણ કર્યા હતા. પોલીસે હાલ તો જે પિસ્ટલથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું તે કબજે લીધી છે અને અશોક ચૌહાણનું લાઇસન્સ રદ કરવાની કવાયત શરૂ કરી છે.

સમગ્ર ઘટનાની જાણવા મળતી વિગતો એવી છે કે સેટેલાઇટ, નહેરુનગર બસ સ્ટેશન પાસેની કરોડો રૂપિયાની જમીન પર નિવૃત્ત DySP અશોક ચૌહાણનો કબજો છે. આ જગ્યા પર નહેરુનગર પાથરણા અને અન્ય ખાણીપીણીના સ્ટોલ બનાવવા માટે અમિત પટેલ, હિતેશ ભરભીડિયા, અમિત ભરભીડિયા, અનિલ મીઠાપરા, મણીલાલ ઝાપડિયા તથા અનિલ સાંકળિયાએ આ જગ્યા ભાડે લીધી હતી. જેના ડિપોઝિટ પેટે તેમણે નિવૃત્ત DySP અશોક ચૌહાણને 25 લાખ રૂપિયા આપ્યા હતા.

બીજી તરફ, આ જગ્યા પર કાચા શેડ માટે મંજૂરી ન હોવાથી મહાનગરપાલિકા દ્વારા કાચું બાંધકામ તોડી પાડવામાં આવતું હતું. જેથી અમિત પટેલ અને તેમના મિત્રોએ નિવૃત્ત DySP અશોક ચૌહાણ પાસે આ જમીનના ડોક્યુમેન્ટ્સ માગ્યા હતા. જેને લઈને તેમની વચ્ચે ચર્ચાઓ ચાલી રહી હતી. દરમિયાન 27 મેના રોજ સાંજના સુમારે નિવૃત્ત DySP અશોક ચૌહાણના બે દીકરા અને એક દીકરી ત્યાં પહોંચી ગયા હતા. તેમણે આ મિત્રો સાથે તકરાર કરી હતી. ત્યારે જ ઓડી કારમાં નિવૃત્ત DySP અશોક ચૌહાણ પણ ત્યાં પહોંચી ગયા અને ધડાધડ પાંચ રાઉન્ડ ફાયરિંગ કરી દીધું હતું.

આ મુદ્દે સેટેલાઇટ પોલીસ ઇન્સ્પેક્ટર વિનોદ ચૌધરીએ નિવૃત્ત DySP અશોક ચૌહાણ અને તેમની દીકરી તથા દીકરા સિદ્ધરાજની ધરપકડ કરી છે. પિસ્ટલ કબજે લઈ તેનું લાઇસન્સ રદ કરવાની કવાયત શરૂ કરવામાં આવી છે.અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે નિવૃત્ત DySP અશોક ચૌહાણ દ્વારા પોલીસે ખોટી રીતે પોતાની ધરપકડ કરી છે, પોલીસ અમારી ફરિયાદ લેતી નથી અને પોલીસ જ જમીન પર ગુંડા મોકલી વિવાદ ઊભો કરાવે છે તેવા આક્ષેપ કરી પોલીસ સ્ટેશન માથે લીધું હતું. તેમની દીકરી દ્વારા પણ પોલીસ પર આક્ષેપ કરવામાં આવી રહ્યા હતા.

આ બાબતે એસીપી એસ.એમ. પટેલે જણાવ્યું હતું કે આ પ્રકરણની તપાસના ભાગરૂપે નિવૃત્ત DySP અશોક ચૌહાણ સહિત ત્રણની ધરપકડ કરવામાં આવી છે. હવે તમામની પૂછપરછ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે નિવૃત્ત DySP અશોક ચૌહાણ તેમની સુરત ખાતેની નોકરી દરમિયાન અને કરાઈ પોલીસ તાલીમ શાળા ખાતેના પોસ્ટિંગ વખતે પણ વિવાદમાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

ફાયરિંગ કેસઃ ડીવાયએસપી સહિત 3નાં રિમાન્ડ રદ, કોર્ટે પિતા, પુત્ર, પુત્રીને જેલ હવાલે મોકલી આપ્યા

ધોળેદહાડે જાહેરમાં ફાયરીંગ કરી ડરાવી જાનથી મારી નાંખવાની ધમકી આપવાના ચકચારભર્યા કેસમાં ધરપકડ કરાયેલા નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ પ્યારેલાલ ચૌહાણ અને તેના પુત્ર અને પુત્રીની સેટેલાઇટ પોલીસે ધરપકડ કરી હતી. ત્યારબાદ ત્રણે આરોપીઓને મેટ્રોપોલીટન કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. જેની સુનાવણીના અંતે કોર્ટે નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણ અને તેના બે સંતાનોના રિમાન્ડ રદ કરી કોર્ટે જેલના હવાલે મોકલી આપ્યો છે. જેથી આગામી દિવસોમાં તમામ આરોપીઓ જામીન અરજી કરે તેવી શક્યતા છે.  

સેટેલાઈટ પોલીસે આરોપી ડીવાયએસપી અશોકસિંહ પ્યારેલાલ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અશોકસિંહ ચૌહાણ અને પુત્રી ખ્યાતિ અશોકસિંહ ચૌહાણને ઘીંકાટા અરજન્ટ ચાર્જની કોર્ટમાં રજૂ કરીને સાત દિવસના રિમાન્ડની માગણી કરી હતી.જેમાં રિમાન્ડ અરજીના કારણોમાં  જણાવાયું હતું કે, આરોપીઓ જે સ્કૂટર પર આવ્યા હતા તે વાહન અંગે તેઓ સાચી હકીકત જણાવતા નથી, જે કબજે કરવાનું બાકી છે.  આરોપી ખરેખર આ જમીનનો માલિક છે કે તેણે બોગસ દસ્તાવેજો ઊભા કર્યા છે, તેની ઊંડાણપૂર્વક તપાસ કરવાની છે. આરોપી હથિયાર રાખવાનું કાયદેસરનું લાઇસન્સ ધરાવે છે, પરંતુ તેની આડમાં અન્ય કોઇ ગેરકાયદે હથિયાર છુપાવેલું છે કે કેમ? મુખ્ય આરોપી અશોકસિંહ ચૌહાણ પોતે નિવૃત્ત ઉચ્ચ પોલીસ અધિકારી અને કાયદાના જાણકાર હોવાથી તેમજ તેમના સંતાનો પોલીસ તપાસમાં સંતોષકારક જવાબ આપતા નથી અને સમય પસાર કરે છે. જેથી કોર્ટે આરોપીઓનઆ સાત દિવસના રિમાન્ડ મંજૂર કરવા જોઈએ. જો કે, આરોપી તરફે એવી રજૂઆત કરવામાં આવી હતી કે, પોલીસ તપાસમાં સહકાર આપ્યો છે, તમામ મુદ્દે તપાસ થઇ ચુકી છે, પોલીસ જે મુદ્દે રિમાન્ડ માગી રહી છે તેમાં આરોપીઓની હાજરીની જરૂર નથી તેથી રિમાન્ડ નામંજૂર કરવા જોઇએ. આવી રજૂઆત બાદ કોર્ટે ત્રણે આરોપીઓના રિમાન્ડ રદ કરી જેલના હવાલે મોકલી આપ્યા છે. આ સુનાવણી દરમિયાન ફરિયાદ પક્ષે એડવોકેટ શ્રીધર દેરાસરી હાજર રહ્યાં હતાં.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *