
દાહોદ જિલ્લાના મંડોર લુખડિયામાં આવેલી સ્કૂલમાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે. ગર્લ્સ રેસિડેન્શિયલ સ્કૂલમાં સાંજના ભોજન બાદ 60 જેટલી વિદ્યાર્થિનીઓની તબિયત લથડી હતી. ત્યારબાદ તેમને એમ્બ્યુલન્સની મારફતે લીમખેડાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ આ મામલે ફૂડ વિભાગ અને જિલ્લા તંત્રએ ભોજનના સેમ્પલ લઈને તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી અનુસાર, લુખડિયાની ગર્લ્સ રેસિડેન્શિયલ સ્કૂલમાં સાંજના ભોજન બાદ 12 જેટલી વિદ્યાર્થિનીઓને પેટમાં દુ:ખાવો, ઊલટી અને ગભરામણ થવા લાગી હતી. તેમને સારવાર માટે લીમખેડાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બાદમાં મોડી રાત્રે વધુ વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગની અસર તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
ફૂડ પોઈઝનિંગની ઘટનાની જાણ થતા મોડી રાત્રે ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ હોસ્પિટલ પહોંચ્યો હતો અને સમગ્ર ઘટનાની સમીક્ષા કરી હતી. હોસ્પિટલના તબીબોએ જણાવ્યું કે, ‘સમયસર સારવાર મળવાથી કોઈ ગંભીર પરિસ્થિતિ સર્જાઈ નથી. પરંતુ શાળામાં આપવામાં આવેલા ભોજનના કારણે ફૂડ પોઇઝનિંગ થવું એ ચિંતાની વાત છે.’ હાલ ફૂડ વિભાગે વિદ્યાર્થિનીઓને પીરસવામાં આવેલા ભોજનના સેમ્પલ લઈને તપાસ માટે મોકલ્યો છે.
