
ચોમાસાની શરુઆત સાથે જ ગુજરાતમાં મેઘમહેર પણ શરુ થઈ ગઈ છે. રાજ્યભરમાં વિવિધ જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ જોવા મળી રહ્યો છે. જોકે, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદના કારણે અમુક વિસ્તારમાં લોકોને હાલાકી પણ જોવા મળી હતી. ગુરુવારે (3 જુલાઈ) વહેલી સવારથી મેઘરાજાએ ધડબડાટી શરુ કરી છે. ઉત્તર અને દક્ષિણ વિસ્તારોમાં મન મૂકીને મેહુલ્યો વરસ્યો છે. સાબરકાંઠા અને બનાસકાંઠામાં ભારે વરસાદના કારણે લોકોને હાલાકીનો સામનો પણ કરવો પડ્યો હતો.
હવામાન વિભાગ દ્વારા સવારે 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી ક્યાં કેટલો વરસાદ વરસ્યો તે વિશે માહિતી આપવામાં આવી છે. જે મુજબ, સાબરકાંઠાના ઈડરમાં 2 વાગ્યા સુધીમાં એટલે કે, 8 કલાકમાં જ 5.51 ઇંચ વરસાદ વરસી ગયો હતો. બનાસકાંઠાના ધાનેરાની સ્થિતિ પણ કંઈક આવી જ હતી. ધાનેરામાં પણ 2 વાગ્યા સુધીમાં 4.57 ઇંચ વરસાદ નોંધાયો હતો. આ સિવાય સૌરાષ્ટ્રના જામનગરમાં પણ વરસાદી બેટિંગ જોવા મળી હતી. જામનગરના જોડિયા તાલુકામમાં બે વાગ્યા સુધીમાં 3.98 ઇંચ વરસાદ નોંધાયો હતો. તેમજ બનાસકાંઠાના વડગામ અને દાંતીવાડામાં 3.19 ઇંચ વરસાદ નોંધાયો હતો.
રાજકોટમાં પણ આજે મેઘમહેર જોવા મળી હતી. હવામાન વિભાગની માહિતી અનુસાર, રાજકોટમાં બે વાગ્યા સુધીમાં 2.68 ઇંચ વરસાદ નોંધાયો હતો. આ સિવાય અમદાવાદમાં 1.06 ઇંચ વરસાદ નોંધાયો છે. તેમજ પાટનગર ગાંધીનગરમાં 0.51 ઇંચ વરસાદ નોંધાયો હતો. અમદાવાદ અને ગાંધીનગરના લોકો હાલ ઝરમર વરસાદનો આનંદ માણી રહ્યા છે.
