અમદાવાદના રાણીપ અને વાડજ વિસ્તારને જોડતા ચંદ્રભાગા બ્રિજ પર મોડી રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે દોડી રહેલી કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર સીધી બ્રિજની નીચે આવેલી કેનાલમાં ખાબકી હતી. આ ઘટનામાં કારમાં સવાર બે યુવકોને ઇજાઓ પહોંચી હતી, જ્યારે સદનસીબે બંનેનો આબાદ બચાવ થયો હતો. ઘટનાને પગલે બી ટ્રાફિક પોલીસે કારચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
મોડી રાત્રે અકસ્માતથી દોડધામ
પ્રાપ્ત વિગતો મુજબ, રાણીપ તરફથી ચંદ્રભાગા બ્રિજ તરફ જઈ રહેલી કાર નવરંગપુરાના રહેવાસી 39 વર્ષીય વિશાલ મનોજ શાહ ચલાવી રહ્યા હતા. તેમની સાથે કારમાં 33 વર્ષીય મિત્ર મુકુન્દ પટેલ પણ સવાર હતા. કારની ગતિ વધુ હોવાને કારણે ચાલકે અચાનક વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો, જેના પરિણામે કાર રોડ પરથી ફંગોળાઈને સીધી કેનાલમાં ખાબકી હતી. અકસ્માતમાં બંને મિત્રોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી.
પોલીસ અને સ્થાનિકોની તાત્કાલિક મદદ
અકસ્માતનો જોરદાર અવાજ સંભળાતા સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જાણ થતાં જ રાણીપ પોલીસ અને ટ્રાફિક પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી. બંને ઇજાગ્રસ્તોને કારમાંથી બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ કેનાલમાં ખાબકેલી કારને ક્રેનની મદદથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
કારચાલક સામે ગુનો નોંધાયો
પ્રાથમિક તપાસમાં અકસ્માતનું કારણ વધુ ઝડપ અને બેદરકારીપૂર્વક વાહન હંકારવું હોવાનું સામે આવ્યું છે. જેના આધારે બી ટ્રાફિક પોલીસે કારચાલક વિશાલ શાહ સામે ગફલતભરી રીતે વાહન ચલાવવાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.













Leave a Reply