અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર આજે અચાનક આગની ઘટના સર્જાતા થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગાંધીબ્રિજની નીચે નદીના કિનારે પાર્ક કરેલી એક ખાનગી એજન્સીની બંધ બોટમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. બ્રિજ પરથી પસાર થઈ રહેલા વાહનચાલકો અને સ્થાનિક લોકોએ બોટમાંથી ઉઠતી આગની જ્વાળાઓ જોઈ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી.
માહિતી મળતાં જ ફાયર વિભાગના બે ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. હાલમાં રિવરફ્રન્ટ પર બોટિંગ પ્રવૃત્તિ બંધ હોવાથી બોટ ગાંધીબ્રિજની નીચે લાંબા સમયથી પાર્ક કરવામાં આવી હતી. આગ ઝડપથી ફેલાઈ રહી હોવાથી ફાયર બ્રિગેડના જવાનોએ ગાંધીબ્રિજ પરથી જ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. સમયસરની કામગીરીના કારણે આગ વધુ વિકરાળ બને તે પહેલાં જ તેને કાબૂમાં લઈ લેવામાં આવી હતી.
સદનસીબે, ઘટના સમયે બોટમાં કે તેની આસપાસ કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર સામે આવ્યા નથી. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટ આગનું કારણ હોઈ શકે છે, પરંતુ તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
ઘટનાના કારણોની તપાસ માટે પોલીસ અને ફાયર વિભાગે વધુ તપાસ હાથ ધરી છે. સમયસરની કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.














Leave a Reply