કોલકાતા : પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં પરાજય બાદ મમતા બેનરજીની આગેવાની હેઠળની તૃણમૂલ કોંગ્રેસ (TMC)માં આંતરિક અસંતોષ વધતો જોવા મળી રહ્યો છે. અહેવાલો મુજબ પક્ષના અંદાજે 15 જેટલા સાંસદો ટીએમસી છોડવાની તૈયારીમાં છે, જ્યારે તાજેતરમાં ચૂંટાયેલા કેટલાક ધારાસભ્યો પણ બળવો કરવાની તૈયારીમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે. નંદીગ્રામમાં યોજાનારી પેટાચૂંટણી માટે ઉમેદવાર શોધવામાં પણ પક્ષને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
આ વચ્ચે મમતા બેનરજીના નજીકના માનાતા લોકસભા સાંસદ કાકોલી ઘોષે પક્ષના તમામ પદોથી રાજીનામું આપી દીધું છે. કાકોલી ઘોષ વર્ષોથી ટીએમસી સાથે જોડાયેલા હતા અને પક્ષના વરિષ્ઠ નેતાઓમાં તેમનો સમાવેશ થતો હતો. થોડા સમય પહેલાં મમતાએ તેમને હટાવીને કલ્યાણ બેનરજીને ચીફ વ્હિપની જવાબદારી સોંપી હતી, ત્યારથી તેઓ નારાજ હોવાનું કહેવાઈ રહ્યું હતું. તે સમયે કાકોલીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, “હું ચાર દાયકાથી પક્ષ સાથે જોડાયેલી રહી, તેનું આ ઇનામ મળ્યું છે.”
કાકોલીના રાજીનામા બાદ હવે અન્ય નેતાઓમાં પણ અસંતોષ વધી રહ્યો હોવાનું માનવામાં આવે છે. પક્ષના અંદાજે 18 જેટલા ટોચના નેતાઓ મમતા બેનરજી અને પક્ષની કાર્યશૈલીથી નારાજ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ યાદીમાં સુખેંદુ શેખ રોય, દેવ અધિકારી, કલ્યાણ બેનરજી અને કુણાલ ઘોષ જેવા નેતાઓના નામ સામેલ હોવાનું કહેવાઈ રહ્યું છે. અહેવાલો અનુસાર, આમાંથી ઘણા સાંસદો ભાજપ તરફ વળી શકે છે.
બંગાળમાં ભાજપે પ્રથમ વખત સરકાર રચ્યા બાદથી ટીએમસીમાં ભંગાણ વધતું હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં 100થી વધુ કાઉન્સિલરોએ પણ પોતાના પદેથી રાજીનામા આપ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે.
આ રાજકીય ઉથલપાથલ વચ્ચે પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી અને ટીએમસી પ્રમુખ મમતા બેનરજી સામે એફઆઈઆર પણ નોંધાઈ છે. સિલિગુડી સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી ફરિયાદમાં તેમના પર ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. વકીલ રિંકી ચટ્ટોપાધ્યાય દ્વારા નોંધાવાયેલી ફરિયાદમાં જણાવાયું છે કે મમતાએ બે પ્રસંગે એવા નિવેદનો આપ્યા હતા, જેના કારણે ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, ફરિયાદના આધારે મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રી પદ ગુમાવ્યા બાદ મમતા બેનરજી સામે નોંધાયેલી આ પ્રથમ એફઆઈઆર હોવાનું કહેવાઈ રહ્યું છે.














Leave a Reply