કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની ગરિમામય ઉપસ્થિતિ અને પ્રેરણાદાયી નિશ્રામાં રવિવારે અમદાવાદના આંગણે એક નવો જ વિહંગમ અને ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત થયો છે. પર્યાવરણ સંરક્ષણ અને શહેરી હરિયાળી વધારવાના ભગીરથ કાર્યક્રમમાં સૌ કોઈ ઉત્સાહભેર જોડાયા હતા. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના આહ્વાન પર 25 હજારથી પણ વધુ સ્વયંસેવકોના વિશાળ જનમેદનીના મહાસાગરે એકત્ર થઈને ભાડજમાં માત્ર એક જ કલાકના ટૂંકા સમયગાળામાં 3.61 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કરી સમગ્ર વિશ્વમાં નવો વિક્રમ સર્જ્યો છે. જેનાથી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં અમદાવાદનું નામ અંકિત થયું છે. ભાડજમાં યોજાયેલા આ અભૂતપૂર્વ કાર્યક્રમમાં સ્વયંસેવકો, નાગરિકો અને વિવિધ સંસ્થાઓની અપ્રતિમ હાજરીથી આખો વિસ્તાર જનશક્તિના ઉત્સાહથી ગૂંજી ઊઠ્યો હતો. બીજી બાજુ ગાંધીનગર લોકસભા મતવિસ્તારના લોકોએ આ અભિયાન હેઠળ 1.26 કરોડથી વધુ છોડ વાવ્યા છે.
ગ્લોબલ વોર્મિંગ જેવી વૈશ્વિક સમસ્યા સામે લડવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના દૂરંદેશી માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલા ‘મિશન ફાઇવ મિલિયન ટ્રીઝ’ અભિયાનને આ સિદ્ધિથી નવી ઊંચાઈ મળી છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની પર્યાવરણ પ્રત્યેની વિશેષ પ્રતિબદ્ધતાના પરિણામે ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં સવા કરોડથી વધુ વૃક્ષોનું રોપણ થયું છે અને તેની સાથે અમદાવાદ શહેરમાં 50 લાખ વૃક્ષો વાવવાનો અદ્ભુત સંકલ્પ લેવામાં આવ્યો છે.
આ ઐતિહાસિક હરિયાળા અભિયાન અંતર્ગત ઉત્તર પશ્ચિમ ઝોનના થલતેજ વોર્ડમાં ભાડજ ખાતે ગોતા-ગોધાવી કેનાલ નજીકના અંદાજે 91 હજાર ચોરસ મીટરના વિશાળ પ્લોટમાંથી 76,000 ચોરસ મીટર પ્લોટમાં મિયાવાકી પદ્ધતિથી જુદી જુદી 35 જેટલી સ્થાનિક જાતોના રોપાનું વાવેતર કરાયું હતું. આ ભવ્ય સફળતા અંગે અમદાવાદના મેયર હિતેશભાઈ બારોટ તથા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની પ્રેરણાથી યોજાયેલા આ આયોજનમાં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં અમદાવાદનું નામ સુવર્ણ અક્ષરે અંકિત થયું છે.
મેયર હિતેશભાઈ બારોટ અને કમિશનર બંછાનિધિ પાનીએ વધુમાં ઉમેર્યું હતું કે, આ વર્લ્ડ રેકોર્ડ માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ, સ્કૂલબોર્ડ, BAPS સંસ્થા, ક્રેડાઈ, પોલીસ સ્ટાફ, NCC કેડેટ્સ, વિવિધ NGO અને સામાન્ય નાગરિકોએ રાત-દિવસ એક કરીને કામ કર્યું હતું. આ પ્રસંગે પર્યાવરણ જાળવણી માટે શહેરભરમાં કુલ 101 ઓક્સિજન પાર્ક ખુલ્લા મૂકવામાં આવ્યા હતા, જેમાં સમાવિષ્ટ 61 નવા ઓક્સિજન પાર્ક સાથે ગાંધીનગર મતક્ષેત્રમાં હવે કુલ 73 ઓક્સિજન પાર્ક કાર્યરત થયા છે. નાગરિકો તમામ પાર્કની વિગતો અને લોકેશન જાણી શકે તે માટે એક વિશેષ ‘ઈ-બુક’નું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું.
ગૃહ મંત્રી અમિત શાહની વિશેષ ઉપસ્થિતિમાં અમદાવાદ શહેર તેમજ સમગ્ર ગાંધીનગર લોકસભા વિસ્તારને ‘હરિયાળી લોકસભા’ બનાવવાના ઉદ્દેશથી ITC India Ltd., વિશ્વનાથ રીઅલ્ટર્સ, એસોસિએશન ઑફ ઓટોમોબાઈલ ડીલર્સ, શિતલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઇફકો અને GUDA સાથે વૃક્ષારોપણ તથા સતત ત્રણ વર્ષ સુધી તેના ઉછેર અને જતન માટેના મહત્વપૂર્ણ MoU કરવામાં આવ્યા હતા.
ભાડજના પ્લોટમાં વધુ ઓક્સિજન આપતા અને વધુ આયુષ્ય ધરાવતાં વૃક્ષો રોપાયાં
અમદાવાદ શહેરનાં ભાડજ વિસ્તારમાં મ્યુનિ. પ્લોટમાં વૃક્ષારોપણનો વર્લ્ડ રેકોર્ડ સર્જવામાં આવ્યો છે તેમાં ઝડપથી ઉગે તેવા ચીલાચાલુ કે ખાલી ગ્રીનરી દેખાડે તેવા વૃક્ષોને બદલે વધુ ઓક્સિજન આપે તેવા અને વધુ આયુષ્ય ધરાવે તેવા રોપા લગાવવામાં આવ્યા છે તેવી માહિતી આપતાં મેયર અને કમિશનરે કહ્યું કે, આ વૃક્ષારોપણ અભિયાનમાં સ્થાનિક પ્રજાતિના પર્યાવરણને અનુકૂળ રોપાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તમામ વૃક્ષોમાં ગોરસ આંબલી, સીસમ, વડ, પીપળો જેવાં વૃક્ષોનો સમાવેશ થાય છે. જે પ્રત્યેક વૃક્ષ ઓછામાં ઓછું ૧૦૦ વર્ષ કરતાં વધુ આયુષ્ય ધરાવે છે. આ રોપાઓ ભવિષ્યમાં જૈવ વૈવિધ્યના સંવર્ધન, વાયુ પ્રદૂષણમાં ઘટાડો, કાર્બન શોષણ, તાપમાન નિયંત્રણ તેમજ શહેરના હરિયાળા આવરણમાં નોંધપાત્ર વધારો કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.













Leave a Reply