નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય બજારમાં ઊર્જા ઉત્પાદનોના ભાવમાં સતત વધારો થતાં ભારતમાં પણ LPGના ભાવ પર દબાણ વધી રહ્યું છે. કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે હાલ 14.2 કિલોગ્રામના ઘરેલુ LPG સિલિન્ડરનો વાસ્તવિક સપ્લાય ખર્ચ આશરે ₹1,600 સુધી પહોંચી ગયો છે, જ્યારે ગ્રાહકોને તેનાથી ઘણો ઓછા ભાવે સિલિન્ડર ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. પરિણામે ઓઇલ માર્કેટિંગ કંપનીઓને પ્રતિ સિલિન્ડર અંદાજે ₹700નું નુકસાન સહન કરવું પડી રહ્યું છે.
પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના જણાવ્યા અનુસાર, એપ્રિલથી જૂન દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારમાં LPGના મુખ્ય ઘટકો પ્રોપેન અને બ્યુટેનના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. બ્લેન્ડેડ સાઉદી CPનો ભાવ ફેબ્રુઆરીમાં પ્રતિ ટન 542 ડોલર હતો, જે જૂનમાં વધીને 790 ડોલર પ્રતિ ટન સુધી પહોંચ્યો છે. આ ઉપરાંત પ્રોપેનના ભાવમાં 39 ટકા અને બ્યુટેનના ભાવમાં 52 ટકાનો ઉછાળો નોંધાયો છે.
વધતા આયાત ખર્ચ અને વૈશ્વિક બજારમાં સર્જાયેલી અનિશ્ચિતતાના કારણે LPGના ભાવમાં આગામી સમયમાં વધુ વધારો થવાની શક્યતા નકારી શકાય તેમ નથી. ઓઇલ માર્કેટિંગ કંપનીઓને રાહત આપવા માટે કેન્દ્ર સરકારે અગાઉ ₹30,000 કરોડના વળતર પેકેજને મંજૂરી આપી હતી.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં ₹29નો વધારો કરવામાં આવ્યો હતો, જેના કારણે દિલ્હીમાં સિલિન્ડરની કિંમત ₹913થી વધીને ₹942 થઈ ગઈ છે.
સરકારે દાવો કર્યો છે કે મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને હોર્મુઝ ખાડીમાં સર્જાયેલી પરિસ્થિતિ છતાં ભારતને LPGનો પુરવઠો નિયમિત રીતે મળી રહ્યો છે. હોર્મુઝ માર્ગ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ ઊર્જા પરિવહન માર્ગોમાંનો એક છે અને ભારત પોતાની કુલ LPG જરૂરિયાતના લગભગ 60 ટકા જથ્થાની આયાત આ માર્ગ દ્વારા કરે છે.
કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર, પાકિસ્તાન, નેપાળ, શ્રીલંકા અને બાંગ્લાદેશ જેવા પાડોશી દેશોની સરખામણીએ ભારતમાં LPG હજુ પણ સસ્તા દરે ઉપલબ્ધ છે. જોકે, વૈશ્વિક બજારની સ્થિતિ અને આયાત ખર્ચમાં થતા ફેરફારોને કારણે આગામી સમયમાં ગ્રાહકો પર વધારાનો બોજો આવી શકે છે.
સરકારી આંકડા મુજબ, ગત નાણાકીય વર્ષના અંત સુધીમાં LPG વેચાણમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓનું કુલ નુકસાન ₹60,000 કરોડને વટાવી ગયું હતું, જ્યારે તેના અગાઉના વર્ષમાં આ આંકડો ₹41,338 કરોડ હતો.














Leave a Reply