અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર મોડી રાત્રે કેટલાક યુવકો દ્વારા જોખમી સ્ટંટબાજી કરવામાં આવી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. 4થી 5 જેટલા મોપેડ અને બાઇક પર આવેલા યુવકોએ જાહેર માર્ગ પર બેફામ વાહનો દોડાવી અન્ય વાહનચાલકોના જીવને જોખમમાં મૂક્યા હતા.
વાયરલ થયેલા વીડિયોમાં એક યુવક ચાલુ બાઇક પર સીટ ઉપર ઊંધો સૂઈને સ્ટંટ કરતો જોવા મળે છે, જ્યારે તેનો સાથી અન્ય ટુ-વ્હીલર પરથી સમગ્ર ઘટનાનો વીડિયો રેકોર્ડ કરી રહ્યો હતો. સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા અને વધુ વ્યૂઝ મેળવવાની લાલચમાં આ યુવકોએ જાહેર સુરક્ષાની અવગણના કરી હોવાનું સામે આવ્યું છે.
આ સ્ટંટબાજીના અનેક વીડિયો દિવ્યેશ છાંસઠિયા નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસથી બચવા માટે વાહનોની નંબર પ્લેટ સાથે પણ ચેડાં કરવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે, જેથી સીસીટીવી અથવા વીડિયોમાં વાહનોની ઓળખ ન થઈ શકે.
વીડિયો વાયરલ થતાં રિવરફ્રન્ટ વિસ્તારમાં રાત્રિ દરમિયાન થતી પોલીસ પેટ્રોલિંગની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે. જોકે, મામલો પ્રકાશમાં આવતા M ડિવિઝન ટ્રાફિક પોલીસે વાયરલ વીડિયોના આધારે તપાસ શરૂ કરી છે. પોલીસ હાલમાં સંડોવાયેલા યુવકોની ઓળખ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની દિશામાં કામ કરી રહી છે.














Leave a Reply