Yes TV

News Website

ગીર સોમનાથમાં 310 કરોડનાં સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ, પાંચ શખ્સો ઝડપાયા

ગીર સોમનાથમાં 310 કરોડનાં સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ, પાંચ શખ્સો ઝડપાયા
Views 6

ગીર સોમનાથ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસે ‘ઓપરેશન મ્યૂલ હન્ટ 2.0’ અંતર્ગત દેશવ્યાપી સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ કરીને અંદાજે રૂ. 310 કરોડના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન શોધી કાઢ્યા છે. કમિશનની લાલચમાં પોતાના બેંક ખાતા સાયબર ઠગોને ભાડે આપનાર વેરાવળ, રાજકોટ અને દેવભૂમિ દ્વારકાના પાંચ આરોપીઓની ધરપકડ કરીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગીર સોમનાથ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ ઇન્સ્પેક્ટર એમ. એ. ઝણકાત અને તેમની ટીમને જિલ્લાની વિવિધ બેંકોમાં ખોલાયેલા મ્યૂલ એકાઉન્ટ્સ અંગેની માહિતી પોલીસ મહાનિરીક્ષક કચેરી, જૂનાગઢ તરફથી પ્રાપ્ત થઈ હતી. ઉપરાંત સમન્વય પોર્ટલ અને એનસીસીઆરપી પોર્ટલ પર નોંધાયેલી ફરિયાદોના વિશ્લેષણ દરમિયાન કેટલાક શંકાસ્પદ બેંક ખાતાઓ સામે આવ્યા હતા.

તપાસ દરમિયાન ખુલાસો થયો હતો કે એકાઉન્ટ ધારકોએ પોતાના બેંક ખાતાઓ સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવા ઠગોને ભાડે આપ્યા હતા અને તેના બદલામાં કમિશન મેળવતા હતા. વધુ તપાસમાં જાણવા મળ્યું કે બેન્ક ઓફ ઇન્ડિયાના એક ખાતામાં એનસીસીઆરપી પોર્ટલ પર નોંધાયેલી 193 ફરિયાદો સાથે સંકળાયેલા અંદાજે રૂ. 282 કરોડના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન થયા હતા. જ્યારે કેનરા બેન્કના એક ખાતામાં 97 ફરિયાદો સાથે સંકળાયેલા અંદાજે રૂ. 37 કરોડના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન નોંધાયા હતા.

આ રીતે બંને ખાતાઓ મારફતે કુલ 290 ફરિયાદો સાથે જોડાયેલા અંદાજે રૂ. 310 કરોડના સાયબર ફ્રોડના નાણાં દેશના વિવિધ રાજ્યોના ભોગ બનેલા લોકો પાસેથી ટ્રાન્સફર થયા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

આ મામલે ગીર સોમનાથ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં મ્યૂલ એકાઉન્ટ સંબંધિત ગુનો નોંધવામાં આવ્યો હતો. શરૂઆતમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેની પૂછપરછ અને ટેકનિકલ તપાસ દરમિયાન અન્ય વ્યક્તિઓની સંડોવણી બહાર આવતા અલગ-અલગ ટીમો બનાવી તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો હતો.

તપાસના અંતે કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં આકાશ ભરતકુમાર પાલા (વેરાવળ), હિરેન રાજગોર (રાજકોટ), આશુતોષ ઠાકર (દેવભૂમિ દ્વારકા), અજય દાફડા (રાજકોટ) અને દીપકગીરી અપરનાથી (વેરાવળ)નો સમાવેશ થાય છે. પોલીસ દ્વારા તમામ આરોપીઓ સામે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *