Yes TV

News Website

અમદાવાદ: હત્યાના પ્રયાસના આરોપીને સગીર દર્શાવવા માતાએ રજૂ કર્યું ખોટું LC, પોલીસ તપાસમાં ભાંડો ફૂટ્યો

અમદાવાદ: હત્યાના પ્રયાસના આરોપીને સગીર દર્શાવવા માતાએ રજૂ કર્યું ખોટું LC, પોલીસ તપાસમાં ભાંડો ફૂટ્યો
Views 10

અમદાવાદ: રામોલ વિસ્તારમાં હત્યાના પ્રયાસના કેસમાં ઝડપાયેલા આરોપીને સગીર દર્શાવી કાયદાકીય લાભ અપાવવાના પ્રયાસનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આરોપીની માતાએ પોલીસ સમક્ષ જન્મતારીખમાં ચેડાં કરેલું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ (LC) રજૂ કર્યું હતું. જોકે, પોલીસની તપાસમાં સમગ્ર મામલો ખુલ્લો પડી ગયો હતો. આ અંગે રામોલ પોલીસે આરોપી તેમજ તેની માતા વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, રામરાજ્યનગરમાં રહેતા એક યુવકે 24 ઓક્ટોબર, 2025ના રોજ પોતાના મિત્ર પર ચાકૂ વડે હુમલો કર્યો હતો. હુમલો એટલો ગંભીર હતો કે ઇજાગ્રસ્તનું આંતરડું બહાર આવી ગયું હતું. ઘટના બાદ આરોપી છેલ્લા એક વર્ષથી ફરાર હતો.

તાજેતરમાં મળેલી બાતમીના આધારે પોલીસે આરોપીને તેના ઘરેથી ઝડપી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ પોતાની ઉંમર 19 વર્ષ હોવાનું જણાવ્યું હતું. તેના આધારે પોલીસે હત્યાના પ્રયાસના ગુનામાં તેની ધરપકડ કરી હતી.

ધરપકડના બીજા દિવસે આરોપીની માતા પોલીસ સ્ટેશન પહોંચી હતી અને પોતાના પુત્રને સગીર દર્શાવતું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ રજૂ કર્યું હતું. જોકે, દસ્તાવેજમાં દર્શાવાયેલી જન્મતારીખ અંગે પોલીસને શંકા જતાં તેની ખરાઈ હાથ ધરવામાં આવી હતી.

તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપીનું મૂળ લિવિંગ સર્ટિફિકેટ ગુમ થયાનું દર્શાવીને ડુપ્લિકેટ પ્રમાણપત્ર મેળવવામાં આવ્યું હતું. ત્યારબાદ ડુપ્લિકેટ LCમાં જન્મતારીખમાં ફેરફાર કરીને આરોપીને એક વર્ષ નાનો દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

પોલીસે શાળાના સત્તાવાર રેકોર્ડની તપાસ કરતાં રજૂ કરાયેલા પ્રમાણપત્રમાં ચેડાં થયાની હકીકત સામે આવી હતી. તપાસમાં એ પણ સ્પષ્ટ થયું હતું કે હત્યાના પ્રયાસના કેસમાં જુવેનાઇલ તરીકેનો લાભ મેળવવાના હેતુથી આ દસ્તાવેજ તૈયાર કરવામાં આવ્યો હતો.

આ સમગ્ર મામલે રામોલ પોલીસે આરોપીની માતા સામે ખોટા દસ્તાવેજ રજૂ કરવા અને પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવા બદલ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *