અમદાવાદમાં નકલી ઘી બનાવતા તત્વો સામે AMCના ફૂડ વિભાગની કાર્યવાહી સતત બીજા દિવસે પણ યથાવત રહી છે. કઠવાડા વિસ્તારમાં આવેલા સત્ય-2 ઇન્ડસ્ટ્રિયલ પાર્કના શેડ નં. C/73માં કાર્યરત ‘શ્રી માતંગી ડેરી એન્ડ ફૂડ પ્રોડક્ટ્સ’ નામની ફેક્ટરી પર દરોડા પાડી રૂ. 2.85 લાખની કિંમતનું 452 લિટર શંકાસ્પદ ઘી જપ્ત કરવામાં આવ્યું છે.
તપાસ દરમિયાન ફેક્ટરીનું ફૂડ સેફ્ટી લાયસન્સ એક્સપાયર થઈ ચૂક્યું હોવાનું સામે આવ્યું હતું. ઉપરાંત લાયસન્સમાં દર્શાવાયેલ સરનામું અને ઉત્પાદન સ્થળ અલગ હોવાનું પણ જાણવા મળ્યું હતું. વધુમાં, લાયસન્સમાં ઘી ઉત્પાદનની મંજૂરીનો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ ન હોવા છતાં મોટા પાયે ઘીનું ઉત્પાદન કરવામાં આવતું હોવાનું અધિકારીઓએ નોંધ્યું હતું. ફેક્ટરીમાં સ્વચ્છતા અને હાઈજીનના નિયમોનું પણ ઉલ્લંઘન થતું હોવાનું સામે આવ્યું છે.
દરોડા દરમિયાન ‘કાઉઝ પ્યોર ઘી’ નામથી ‘માખન મીસરી’ અને ‘સ્વામિનારાયણ’ બ્રાન્ડના 500 મિલી તથા 1 લિટરના જાર ઉપરાંત લૂઝ જથ્થો પણ મળી આવ્યો હતો. ફૂડ વિભાગે સમગ્ર જથ્થો જપ્ત કરી તેના નમૂનાઓ લેબોરેટરી પરીક્ષણ માટે મોકલી આપ્યા છે. વધુ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ફેક્ટરીને સીલ કરી દેવામાં આવી છે.
આ અગાઉ ફૂડ વિભાગે CTM, વટવા અને દૂધેશ્વર વિસ્તારમાં પણ કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં રૂ. 31.81 લાખની કિંમતનો આશરે 4,850 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. બે દિવસમાં લાખો રૂપિયાનું શંકાસ્પદ ઘી ઝડપાતા ખાદ્ય સુરક્ષા અને જાહેર આરોગ્ય અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.
વારંવાર આવી ઘટનાઓ સામે આવતી હોવા છતાં સ્થાનિક સ્તરે દેખરેખ અને અમલવારીની કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. નિષ્ણાતોના મતે ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો સામે કડક કાર્યવાહી અને સતત મોનીટરિંગ જરૂરી બન્યું છે, જેથી નાગરિકોના સ્વાસ્થ્ય સાથે કોઈપણ પ્રકારનું જોખમ ઊભું ન થાય.














Leave a Reply