આગામી રથયાત્રા અને મોહરમના તહેવારોને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસ દ્વારા શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. શહેરમાં શાંતિ અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કાગડાપીઠ અને દાણીલીમડા સહિતના વિસ્તારોમાં 16 જૂનની રાત્રે વિશેષ ચેકિંગ કરવામાં આવ્યું હતું.
કાગડાપીઠ પોલીસે કોમ્બિંગ દરમિયાન 48 વાહનોની તપાસ કરી હતી. આ કાર્યવાહી દરમિયાન ડ્રિંક એન્ડ ડ્રાઇવનો એક તેમજ પ્રોહિબિશનના ત્રણ ગુના નોંધાયા હતા અને ત્રણ વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા. ઉપરાંત હિસ્ટ્રીશીટર અને બુટલેગરોની પણ તપાસ કરવામાં આવી હતી.
દાણીલીમડા પોલીસે અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તથા ગેરકાયદેસર રીતે છરી-ચપ્પા જેવા હથિયારો રાખતા છ શખ્સોની અટકાયત કરી હતી. વિસ્તારમાં 56 વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર આઠ લોકોને મેમો ફટકારી રૂ. 4,000નો દંડ વસૂલવામાં આવ્યો હતો. સાથે જ 24 પાનના ગલ્લા અને 13 મેડિકલ સ્ટોરની તપાસ પણ કરવામાં આવી હતી.
પોલીસ દ્વારા નશીલા પદાર્થોના વેચાણને રોકવા માટે 100થી વધુ પાનના ગલ્લા અને 60થી વધુ મેડિકલ સ્ટોરના સ્ટોક તેમજ રેકોર્ડની ચકાસણી કરવામાં આવી હતી. સમગ્ર ઓપરેશન દરમિયાન કુલ 236 વાહનોની તપાસ કરવામાં આવી હતી, જેમાં પાંચ વાહનો ડિટેઇન કરાયા હતા અને 20 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી હતી.
આ ઉપરાંત 31 હિસ્ટ્રીશીટર, 45 એમસીઆર આરોપી, 34 લિસ્ટેડ બુટલેગર, 7 જુગારી અને 7 તડીપાર વ્યક્તિઓનું પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું. તહેવારો દરમિયાન કાયદો-વ્યવસ્થા જાળવવા માટે અમદાવાદ પોલીસ દ્વારા આવી કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવશે.












Leave a Reply