ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન મધ્ય અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં સૌથી વધુ 147 મીમી (5.79 ઇંચ) વરસાદ નોંધાતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું અને વાહનચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
હવામાન વિભાગના આંકડા મુજબ, અરવલ્લી જિલ્લાના ભિલોડામાં 75 મીમી (2.95 ઇંચ) અને ધનસુરામાં 66 મીમી (2.60 ઇંચ) વરસાદ નોંધાયો હતો. ઉપરાંત સાઠંબા, બાયડ અને મોડાસા સહિતના વિસ્તારોમાં પણ સારો વરસાદ વરસ્યો હતો.
ખેડા જિલ્લામાં ગળતેશ્વરમાં 57 મીમી અને કપડવંજમાં 55 મીમી વરસાદ પડ્યો હતો. નડિયાદ, મહુધા અને કઠલાલ પંથકમાં પણ મેઘરાજાએ હાજરી નોંધાવી હતી, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લાના સતલાસણામાં 73 મીમી (2.87 ઇંચ) વરસાદ નોંધાયો હતો, જ્યારે ખેરાલુમાં 20 મીમી વરસાદ વરસ્યો હતો. વડોદરા જિલ્લાના દેસર તાલુકામાં 53 મીમી વરસાદ નોંધાયો હતો.
પંચમહાલ જિલ્લામાં ઘોઘંબામાં 52 મીમી અને જાંબુઘોડામાં 51 મીમી વરસાદ નોંધાયો હતો. ગોધરા અને હાલોલ સહિતના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. છોટાઉદેપુર જિલ્લાના કડવાલમાં 49 મીમી વરસાદ નોંધાયો હતો, જ્યારે દાહોદ જિલ્લાના દેવગઢબારિયા અને ધાનપુરમાં હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો હતો.
રાજ્યના અનેક વિસ્તારોમાં પડેલા વરસાદથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે, જ્યારે ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે. વરસાદી માહોલને કારણે ખેતીના કામોમાં ગતિ આવવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.












Leave a Reply