Yes TV

News Website

અમદાવાદમાં ચેઈન સ્નેચિંગ ગેંગનો પર્દાફાશ: બે રીઢા ગુનેગાર ઝડપાયા, 6 ગુનાઓ ઉકેલાયા

અમદાવાદમાં ચેઈન સ્નેચિંગ ગેંગનો પર્દાફાશ: બે રીઢા ગુનેગાર ઝડપાયા, 6 ગુનાઓ ઉકેલાયા
Views 6

અમદાવાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ઝોન-1ની ટીમે મંદિરો અને જૈન દેરાસરોમાં દર્શન કરીને પરત ફરતા લોકોને નિશાન બનાવતી ચેઈન સ્નેચિંગ ગેંગનો ભાંડો ફોડ્યો છે. પોલીસે બે રીઢા આરોપીઓની ધરપકડ કરીને શહેરના વિવિધ વિસ્તારોમાં થયેલા 6 ચેઈન સ્નેચિંગના ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે. ચોરાયેલા દાગીના ખરીદતી એક મહિલાને વોન્ટેડ જાહેર કરીને તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

નવરંગપુરાની ઘટનાથી તપાસ શરૂ

8 મે, 2026ના રોજ મીઠાખળી જૈન દેરાસરમાં દર્શન કરીને ઘરે પરત ફરી રહેલી એક મહિલાની નવરંગપુરા વિસ્તારમાં બાઇક સવાર બે શખ્સોએ સોનાની ચેઈન ઝૂંટવી લીધી હતી. આ ઘટનાને ગંભીરતાથી લઈને LCB ઝોન-1ની ટીમે સઘન તપાસ શરૂ કરી હતી.

500થી વધુ CCTV ફૂટેજની તપાસ

આરોપીઓ સુધી પહોંચવા માટે પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાં લાગેલા 500થી વધુ CCTV કેમેરાના ફૂટેજ ચકાસ્યા હતા. તપાસ દરમિયાન મળેલા પુરાવાના આધારે પોલીસને જાણ થઈ કે આરોપીઓ પાલડી અને નારાયણનગર વિસ્તાર તરફ ભાગ્યા હતા. લગભગ 10 દિવસ સુધી સતત વોચ રાખ્યા બાદ પોલીસે બંને આરોપીઓને ઝડપી લીધા હતા.

બે આરોપીઓ ઝડપાયા, મહિલા વોન્ટેડ

ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના રહેવાસી 44 વર્ષીય પંકજ શંકરલાલ પરમાર અને ઉદયપુરના 38 વર્ષીય લક્ષ્મણસિંહ ચૌહાણ તરીકે થઈ છે. ઉપરાંત નાના ચિલોડાની રહેવાસી આશાબહેન ઠક્કરને વોન્ટેડ જાહેર કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર તે આરોપીઓ પાસેથી ચોરાયેલા સોનાના દાગીના સસ્તા ભાવે ખરીદતી હતી.

અમદાવાદના 6 વિસ્તારોના ગુનાઓ કબૂલ્યા

પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીઓએ નવરંગપુરા, સાબરમતી, શાહીબાગ, રાણીપ, મણિનગર અને ખોખરા વિસ્તારોમાં ચેઈન સ્નેચિંગના ગુનાઓ આચર્યાની કબૂલાત કરી છે.

₹2.81 લાખનો મુદ્દામાલ કબજે

પોલીસે આરોપીઓ પાસેથી કુલ ₹2.81 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે પંકજ પરમાર સામે અમદાવાદ અને સુરતમાં લૂંટ, ચેઈન સ્નેચિંગ અને ચોરીના ઓછામાં ઓછા 10 ગુનાઓ નોંધાયેલા છે. લક્ષ્મણસિંહ ચૌહાણ પણ અગાઉ લૂંટના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે. જ્યારે આશાબહેન ઠક્કર સામે છેતરપિંડી, ચોરી, લૂંટ અને ચોરાયેલી મિલકત રાખવાના અનેક કેસ નોંધાયેલા છે.

અન્ય જિલ્લાઓમાં પણ તપાસનો ધમધમાટ

પોલીસ હવે તપાસ કરી રહી છે કે આ ગેંગે અમદાવાદ સિવાય ગુજરાતના અન્ય કયા જિલ્લાઓમાં ચેઈન સ્નેચિંગની ઘટનાઓને અંજામ આપ્યો છે અને બાકીનો ચોરાયેલો મુદ્દામાલ ક્યાં વેચી દીધો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *