અમદાવાદ શહેરના નવા પોલીસ કમિશનર તરીકે અનુપમસિંહ ગેહલોતે શનિવારે વિજય મુહૂર્તમાં સવારે 12:39 વાગ્યે કમિશનર કચેરી ખાતે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો. રાજ્યના પોલીસ વડા (DGP) અને ઇન્ચાર્જ પોલીસ કમિશનર જી. એસ. મલિકે તેમને સત્તાવાર રીતે ચાર્જ સોંપ્યો.
ચાર્જ સંભાળ્યા બાદ ગેહલોતે પોલીસ ઇન્સ્પેક્ટર, એસીપી, ડીસીપી, જોઇન્ટ પોલીસ કમિશનર સહિતના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. તેમણે અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અત્યાર સુધી થયેલી કામગીરીને વધુ મજબૂત બનાવવાની સૂચના આપી હતી. સાથે જ અસામાજિક તત્ત્વોને સ્પષ્ટ સંદેશ આપતાં કહ્યું કે, “કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો.”
ગેહલોતે જણાવ્યું કે અમદાવાદ રાજ્યનું સૌથી મોટું અને મહત્વપૂર્ણ શહેર હોવાથી પોલીસ સામે અનેક પડકારો છે. આગામી દિવસોમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા, કોમનવેલ્થ અને અન્ય મોટા કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા અને ટ્રાફિક મેનેજમેન્ટને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવશે.
તેમણે કહ્યું કે શહેરમાં ટ્રાફિકની સમસ્યા ઘટાડવા માટે અસરકારક આયોજન કરવામાં આવશે. ઉપરાંત, લોકોને પોતાની ફરિયાદ કે રજૂઆત માટે કમિશનર કચેરી સુધી આવવાની જરૂર ન પડે અને પોલીસ સ્ટેશન સ્તરે જ ઝડપી નિકાલ થાય તેવી વ્યવસ્થાને વધુ સશક્ત બનાવાશે.
ચાર્જ સંભાળ્યા બાદ અનુપમસિંહ ગેહલોતે નગરદેવી ભદ્રકાળી માતાના મંદિરે દર્શન કરી અમદાવાદ શહેરની જવાબદારી નિભાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.
વિદાય લેતા રાજ્યના પોલીસ વડા જી. એસ. મલિકે જણાવ્યું કે છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન અમદાવાદ પોલીસે કાયદો-વ્યવસ્થા જાળવવામાં, મોટા ઓપરેશનો પાર પાડવામાં, ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો લાવવામાં તેમજ પોલીસ વેલફેર અને હેલ્થ સંબંધિત અનેક પ્રોજેક્ટ સફળતાપૂર્વક અમલમાં મૂક્યા છે. શહેરમાં લોકભાગીદારીથી 24 હજારથી વધુ CCTV કેમેરા સ્થાપિત થતાં ગુનાઓના ડિટેક્શન રેટમાં વધારો થયો છે અને અમદાવાદને સુરક્ષિત શહેર તરીકે ઓળખ મળી છે.
નવા પોલીસ કમિશનર ગેહલોતે વિશ્વાસ વ્યક્ત કરતાં જણાવ્યું કે શહેરમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવશે. લોકોને હેરાન કરનાર તત્ત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જો કોઈ પીડિત વ્યક્તિ પોલીસ સુધી ન પહોંચે છતાં પોલીસના ધ્યાનમાં ઘટના આવશે તો પોલીસ પોતે જ કાર્યવાહી કરશે. સાથે જ પોલીસ કર્મચારીઓ જનતા સાથે વધુ સંવેદનશીલ અને નમ્ર વ્યવહાર કરે તે માટે પણ ખાસ પ્રયાસ કરવામાં આવશે.
તેમણે અંતમાં પુનઃ સ્પષ્ટ સંદેશ આપ્યો કે, “અમદાવાદ સુરક્ષિત હતું, છે અને આગળ પણ સુરક્ષિત જ રહેશે. ગુનેગારો માટે એક જ સંદેશ છે – કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો.”












Leave a Reply