મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરને અમદાવાદ એરપોર્ટ સાથે જોડતા માર્ગ પર ભાટ ચાર રસ્તા ખાતે નિર્મિત રાજ્યના પ્રથમ શહેરી કેબલ સ્ટેડ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરી તેને વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂક્યો છે. અંદાજે ₹175 કરોડના ખર્ચે નિર્માણ પામેલો 1.48 કિલોમીટર લાંબો આ ફ્લાયઓવર માર્ગ અને મકાન વિભાગ તથા અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (AUDA)ના 50-50 ટકાના સહયોગથી તૈયાર કરવામાં આવ્યો છે.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ કોબા સર્કલથી ભાટ સર્કલ વચ્ચે નર્મદા મુખ્ય કેનાલ પર આવેલા હાલના 6 લેનના બ્રિજને 12 લેનમાં વિસ્તૃત કરવાની કામગીરીનું ખાતમુહૂર્ત પણ કર્યું. અંદાજે ₹48 કરોડના ખર્ચે હાથ ધરાનારા આ પ્રોજેક્ટ હેઠળ હાલના બ્રિજની બંને બાજુ ત્રણ-ત્રણ લેનના નવા બ્રિજનું નિર્માણ કરવામાં આવશે, જેના કારણે વધતા ટ્રાફિકને સરળતાથી સંભાળી શકાશે.
ગાંધીનગર-કોબા-એરપોર્ટ રોડ અને એસ.પી. રિંગ રોડ પર મળીને દરરોજ અંદાજે 1.93 લાખથી વધુ વાહનોની અવરજવર થાય છે. ભાટ સર્કલ મુખ્ય જંકશન હોવાથી અહીં વારંવાર ટ્રાફિકજામ સર્જાતો હતો, જેના કારણે વાહનચાલકોનો સમય, ઇંધણ અને નાણાંનો વ્યય થતો હતો.
નવા કેબલ સ્ટેડ ફ્લાયઓવર શરૂ થતાં હવે ગાંધીનગર-અમદાવાદ તરફનો ટ્રાફિક ફ્લાયઓવર પરથી પસાર થશે, જ્યારે એસ.પી. રિંગ રોડનો ટ્રાફિક ફ્લાયઓવરની નીચેથી પસાર થશે. ટ્રાફિકના આ બે સ્તરીય વિભાજનથી વાહનવ્યવહાર વધુ સુગમ બનશે અને ટ્રાફિકજામમાં નોંધપાત્ર ઘટાડો થશે.
ઉપરાંત, એસ.પી. રિંગ રોડ મારફતે બરોડા અને સુરત તરફ જતાં વાહનોની સરળ અવરજવર માટે બંને બાજુ ત્રણ-ત્રણ લેનના કુલ 6 લેનના સર્વિસ રોડ પણ તૈયાર કરવામાં આવ્યા છે, જે સમગ્ર કોરિડોરમાં ટ્રાફિક વ્યવસ્થાને વધુ કાર્યક્ષમ બનાવશે.












Leave a Reply