Yes TV

News Website

પહેલા જ વરસાદમાં સુરત પાણીમાં ગરકાવ, રસ્તાઓ ધોવાયા, અનેક વિસ્તારોમાં ભૂવા પડ્યા

પહેલા જ વરસાદમાં સુરત પાણીમાં ગરકાવ, રસ્તાઓ ધોવાયા, અનેક વિસ્તારોમાં ભૂવા પડ્યા
Views 43

જૂનના અંતિમ દિવસે મેઘરાજાએ દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રી કરતાં સુરત શહેરમાં ગત રાતથી શરૂ થયેલો ભારે વરસાદ જનજીવન પર ભારે પડ્યો હતો. રાત્રે 2.60 ઈંચ અને દિવસ દરમિયાન 2.40 ઈંચ મળી કુલ પાંચ ઈંચ વરસાદ નોંધાતા ઉધના, ભેસ્તાન, પાંડેસરા, લિંબાયત, વરાછા, વેસુ VIP રોડ અને કતારગામ સહિતના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.

ભારે વરસાદને કારણે ઉધના ગરનાળામાં કમર સુધી પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો હતો. શહેરના અનેક રસ્તાઓનું ધોવાણ થયું હતું, જ્યારે ગોડાદરા વિસ્તારમાં રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા. એક સ્થળે એસટી બસ રસ્તામાં પડેલા ભૂવામાં ફસાઈ ગઈ હતી. હજારો વાહનચાલકો લાંબા સમય સુધી ટ્રાફિક જામમાં અટવાયા હતા. પ્રથમ જ વરસાદમાં શહેરની પ્રિ-મોન્સૂન કામગીરી અંગે પણ સવાલો ઊભા થયા છે.

રાજ્યમાં સૌથી વધુ વરસાદ સુરતમાં નોંધાયો હતો. ઉપરાંત કામરેજમાં 4 ઈંચ, નવસારીમાં 3.66 ઈંચ, અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં 3.11 ઈંચ, પલસાણામાં 3 ઈંચ, વાલોડમાં 2.05 ઈંચ, જલાલપોરમાં 2.01 ઈંચ, ધરમપુરમાં 1.81 ઈંચ, મહુવામાં 1.46 ઈંચ, બારડોલીમાં 1.42 ઈંચ અને ઓલપાડમાં 1.38 ઈંચ વરસાદ નોંધાયો હતો. ખેડા જિલ્લાના વસોમાં માત્ર બે કલાકમાં 2 ઈંચ વરસાદ વરસ્યો હતો. રાજકોટ, જૂનાગઢ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો.

રાજ્યભરમાં છેલ્લા 24 કલાક દરમિયાન કુલ 64 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જેમાંથી 20 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. અમદાવાદ-ગાંધીનગર સહિત 24 વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

ખેડા જિલ્લાના વસોમાં સાંજે બે કલાકમાં 2 ઈંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે નજીકના નડિયાદમાં માત્ર સામાન્ય ઝાપટું પડતાં વાતાવરણમાં નોંધપાત્ર તફાવત જોવા મળ્યો હતો.

સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં 3.11 ઈંચ વરસાદને કારણે નદી-નાળાં છલકાઈ ગયા હતા. સ્થાનિક નાવલી નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાતાં શહેરના અનેક માર્ગો પાણીમાં ગરકાવ થયા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં વરસાદ દરમિયાન દુર્ઘટનાની ઘટના પણ સામે આવી હતી. ખોજાખાના વિસ્તારમાં વેપારી સંજયભાઈ મનોહરલાલ જેસંગાણી દુકાન ખોલવા જતા જીવંત વીજવાયરના સંપર્કમાં આવતાં ગંભીર રીતે દાઝ્યા હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *