અમદાવાદ: અષાઢી બીજના પાવન પર્વે યોજાનારી ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રા પૂર્વે આજે (29 જૂન) જમાલપુર સ્થિત જગન્નાથજી મંદિરથી પરંપરાગત જળયાત્રાનો ભક્તિમય માહોલમાં પ્રારંભ થયો. વહેલી સવારે મંદિરેથી નીકળેલી જળયાત્રા સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરે પહોંચી, જ્યાંથી વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે 108 કળશમાં પવિત્ર જળ ભરી મંદિર લાવવામાં આવશે. ત્યારબાદ ભગવાન જગન્નાથજીનો જળાભિષેક કરવામાં આવશે અને ભગવાન ભક્તોને વિશેષ ગજવેશમાં દર્શન આપશે.
જળયાત્રામાં બળદગાડા પર ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજી બિરાજમાન છે. ગજરાજ, ઘોડાગાડીઓ, ધ્વજ-કળશ, કાવડિયા અને વિવિધ અખાડાઓ યાત્રાનું મુખ્ય આકર્ષણ બન્યા છે.
ઢોલ-નગારા અને ડીજે પર પ્રતિબંધ
ગયા વર્ષે જળયાત્રા દરમિયાન હાથી ભડકવાની ઘટનાને ધ્યાનમાં રાખી આ વર્ષે વહીવટી તંત્રે ખાસ તકેદારી રાખી છે. સમગ્ર રૂટ પર ઢોલ-નગારા અને ડીજે વગાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હાથીઓને સામાન્ય જનતા থেকে સુરક્ષિત અંતરે રાખવામાં આવ્યા છે અને તેમને બહારથી કોઈ ખાદ્ય વસ્તુ ન આપવામાં આવે તે માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. હાથીઓની દેખરેખ માટે પશુપાલન વિભાગના બે પશુચિકિત્સક, કાંકરિયા ઝૂના એક પશુચિકિત્સક સહિત વિશેષ ટીમ તૈનાત છે.
500થી વધુ પોલીસકર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત
જળયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સમગ્ર રૂટ પર 500થી વધુ પોલીસ અને હોમગાર્ડના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં રૂટનું ફુલ-સ્કેલ રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું. સમગ્ર માર્ગ પર સીસીટીવી અને ડ્રોન કેમેરા દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે.
પોલીસ અને જગન્નાથ મંદિર ટ્રસ્ટના સંયુક્ત આયોજન હેઠળ યોજાઈ રહેલી આ જળયાત્રા આગામી 16 જુલાઈએ યોજાનારી 149મી રથયાત્રાની તૈયારીઓનો મહત્વપૂર્ણ ભાગ છે. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થાય તે માટે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે.














Leave a Reply