મુંબઈ: મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં રાતભર પડેલા ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અંધેરી, બાંદ્રા, ખાર, માલાડ, ગોરેગાંવ, જુહુ અને વર્સોવા સહિતના વિસ્તારોમાં રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે.
વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર ટ્રાફિક ધીમો
ભારે વરસાદને કારણે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં વાહનોની અવરજવર ધીમી પડી ગઈ હતી. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ના જણાવ્યા મુજબ, પૂર્વ અને પશ્ચિમ મુંબઈને જોડતા અંધેરી સબવેમાં પાણી ભરાઈ જતાં તેને વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. દર ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યાનો સામનો કરતા આ સબવેને આ વખતે પણ બંધ રાખવાની ફરજ પડી હતી.
નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો પરેશાન
શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાવાને કારણે તંત્રએ સાવચેતીના ભાગરૂપે વહેલી સવારે લગભગ 1:45 વાગ્યાથી અંધેરી સબવે ખાતે વાહનવ્યવહાર બંધ કરી દીધો હતો. સ્થળ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ભારે વરસાદથી એક તરફ મુંબઈગરાઓને ગરમી અને બફારાથી રાહત મળી છે, તો બીજી તરફ ઓફિસ અને કામધંધા માટે નીકળેલા લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
આજે પણ યેલો એલર્ટ યથાવત્
ભારતીય હવામાન વિભાગ (IMD)એ આજે પણ મુંબઈ અને આસપાસના વિસ્તારો માટે ‘યેલો એલર્ટ’ જાહેર કર્યું છે. વિભાગની આગાહી મુજબ, મુંબઈ સહિત મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને તેજ પવનો સાથે ભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. નોંધનીય છે કે, આ વર્ષે ચોમાસાનું મુંબઈમાં આગમન સામાન્ય સમય કરતાં 13 દિવસ મોડું થયું હતું.













Leave a Reply