ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા મે માસમાં લેવાયેલી સી.એ. ઇન્ટર મીડિયેટની પરીક્ષાનું પરિણામ બુધવારે જાહેર કરી દેવામાં આવ્યું છે. અમદાવાદ બ્રાન્ચના ત્રણ વિદ્યાર્થીએ ઓલ ઇન્ડિયામાં ટોપ 50માં સ્થાન મેળવ્યું છે. જેમાં મોક્ષ રાઠોડ ઓલ ઇન્ડિયામાં 5માં રેંકમાં, સ્તુતિ ગોએન્કા 10માં રેંકમાં અને કન્હૈયા શર્માએ 40માં રેંકમાં સ્થાન મેળવ્યું છે. અમદાવાદ સેન્ટરનું બન્ને જૂથનું પરિણામ 6.55 ટકા અને ઓલ ઇન્ડિયાનું બન્ને જૂથનું પરિણામ 8.47 ટકા આવ્યું છે. જે અગાઉ લેવાયેલી પરીક્ષા કરતાં ઓછું છે.
સી.એ. ઇન્સ્ટિટ્યૂટ દ્વારા લેવાયેલી પરીક્ષાના બુધવારે જાહેર કરાયેલા પરિણામની આંકડાકીય વિગતો જોઇએ તો અમદાવાદ સેન્ટરમાંથી બન્ને જૂથમાં 993 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. જે પૈકી 65 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જેના કારણે બન્ને જૂથનું પરિણામ 6.55 ટકા આવ્યું છે. આ જ રીતે ગ્રૂપ પ્રમાણે પરિણામ જોઇએ તો ગ્રૂપ એકમાં 1386 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. જેમાંથી 126 વિદ્યાર્થીઓ પાસ થતાં ગ્રૂપ એકનું પરિણામ 9.09 ટકા પરિણામ આવ્યું છે. આ જ રીતે ગ્રૂપ બેમાં 831 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 182 વિદ્યાર્થીઓ પાસ થતાં ગ્રૂપ બેનું 21.9 ટકા પરિણામ આવ્યું છે.
જ્યારે ઓલ ઇન્ડિયાનું પરિણામ જોઇએ તો બન્ને જૂથમાં 33304 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી જે પૈકી 2820 વિદ્યાર્થીઓ પાસ થતાં ઓલ ઇન્ડિયાનું બન્ને જૂથનું પરિણામ 8.47 ટકા આવ્યું છે. ઓલ ઇન્ડિયામાં ગ્રૂપ એકમાં 91237 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી જે પૈકી 9350 પાસ થતાં 10.25 ટકા પરિણામ આવ્યું છે. આ જ રીતે ગ્રૂપ બેમાં 64381 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી જે પૈકી 10372 પાસ થતાં 16.11 ટકા પરિણામ આવ્યું છે. જાન્યુઆરી 2026માં લેવાયેલી ઇન્ટર મીડિયેટની પરીક્ષામાં અમદાવાદ બ્રાન્ચનું બન્ને જૂથનું પરિણામ 13.19 ટકા અને ઓલ ઇન્ડિયાનું બન્ને જૂનનું પરિણામ 9.39 ટકા આવ્યું હતું.
આમ, અમદાવાદના બન્ને જૂથના કોમન પરિણામમાં અંદાજે 50 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ જ રીતે ઓલ ઇન્ડિયામાં બન્ને પરિણામમાં અંદાજે 1 ટકાનો ઘટાડો જોવા મળ્યું છે. તાજેતરમાં ફાઇનલની પરીક્ષામાં અમદાવાદમાંથી એકપણ વિદ્યાર્થી ઓલ ઇન્ડિયા રેંકમાં સ્થાન મેળવી શક્યા નહોતા. પરંતુ ઇન્ટર મીડિયેટ પરીક્ષામાં કુલ ત્રણ વિદ્યાર્થીઓએ ટોપ 50માં સ્થાન મેળવ્યું છે.
પપ્પા-દાદા સી.એ. હોવાથી સી.એ. થવાની ઇચ્છા થઇ
સી.એ. ઇન્ટર મીડિયેટમાં મારે 600માંથી 508 માર્કસ આવ્યા છે. મારા પપ્પા અને દાદા પણ સી.એ. હતા. જેના કારણે મને સી.એ. થવાની ઇચ્છા થઇ હતી. હાલમાં હુ એચ.એલ. કોલેજમાં કોમર્સમાં અભ્યાસ કરું છું. મને એકાઉન્ટમાં રસ હોવાથી ખાસ તો સી.એ. પસંદ કર્યું છે. ફાઉન્ડેશનમાં ઓલ ઇન્ડિયામાં 8મો રેંક હતો. આગામી ફાઇનલ એક્ઝામમાં પણ મારો રેંક આવે તેવી અપેક્ષા છે.– મોક્ષ રાઠોડ (ઓલ ઇન્ડિયામાં પાંચમો રેંક)
લૉનું પેપર ટફ રહ્યું હતું, મહેનતથી રેંક મળ્યો
મારા પપ્પા પણ સી.એ. હોવાથી મને સી.એ. થવાની ઇચ્છા થઇ હતી. હું હાલમાં નીલદિપ કોમર્સ કોલેજમાં કોમર્સનો અભ્યાસ કરું છું. ટેક્સેશન અને ફાયનાન્સમાં મને ખાસ રસ પડતો હોવાથી સી.એ. થવાનું પસંદ કર્યું હતું. લૉનું પેપર ટફ હતું. પરીક્ષાના સમયમાં દરરોજ 10થી 12 કલાકનું વાંચન કરતું હતી. ફાઇનલમાં પણ રેંક આવે તેવી આશા છે. – સ્તુતિ ગોએન્કા( ઓલ ઇન્ડિયામાં 10મો રેંક)
મારા પરિવારમાં કોઇ સી.એ. નથી, સંબંધીના કહેવાથી તૈયારી કરી
મારા પરિવારમાં કોઇ સી.એ. નથી. મારા એક સંબંધી પાસેથી સી.એ.નો કોર્સ સારો છે તેવી મને ખબર પડી હતી. જેના કારણે મેં પણ સી.એ. થવાનું નક્કી કર્યું હતું. મહેનત સારી કરી હોવાથી પેપર સારા ગયા હતા. હું માનું છું કે તમારી યોગ્ય તૈયારી હોય, મહેનત હોય તો કોઇપણ તે સારું પરિણામ આવી શકે છે.- કન્હૈયા શર્મા (ઓલ ઇન્ડિયા 40મો રેંક)












Leave a Reply