ગુજરાતમાં આખરે ચોમાસાએ પૂરી તાકાત સાથે રંગ જમાવ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા છેલ્લા 24 કલાક દરમિયાન 65 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. જ્યારે માત્ર બે કલાકમાં જ 27 તાલુકાઓમાં ભારે વરસાદ પડ્યો હતો. તેમાં સૌથી વધુ વરસાદ વાપીમાં 4.13 ઇંચ નોંધાયો છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે રાજ્યમાં ભારે વરસાદ, ગાજવીજ અને તેજ પવન સાથે થંડરસ્ટોર્મની ચેતવણી જાહેર કરી છે.
એકસાથે ચાર હવામાન પ્રણાલીઓ સક્રિય
જૂન મહિનામાં રાજ્યમાં સામાન્ય કરતાં માત્ર 19.9 મીમી વરસાદ નોંધાતા 82 ટકા જેટલી વરસાદની ઘટ રહી હતી. જોકે જુલાઈની શરૂઆત સાથે જ વરસાદી માહોલ જામી ગયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં મહારાષ્ટ્રથી ઉત્તર કેરળ સુધી ઓફશોર ટ્રફ, મધ્યપ્રદેશથી કોંકણ-ગોવા સુધી ટ્રફ લાઈન, 2 જુલાઈએ આવનાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને 3 જુલાઈએ બંગાળની ખાડીમાં સર્જાનાર લો-પ્રેશર સિસ્ટમ એમ ચાર પ્રણાલીઓ એકસાથે સક્રિય થઈ રહી છે. તેના કારણે આગામી એક સપ્તાહ સુધી ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘમહેર
દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર સૌથી વધુ જોવા મળ્યું છે. નવસારી જિલ્લાના જલાલપોર અને ચીખલીમાં ભારે વરસાદ વરસ્યો હતો. ઉપરાંત વલસાડના ધરમપુર અને નાનાપોંઢા, સુરત શહેર તેમજ કામરેજ, પલસાણા, મહુવા, બારડોલી, ઓલપાડ અને ચોર્યાસી તાલુકાઓમાં પણ એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો.
સૌરાષ્ટ્રમાં અમરેલીના સાવરકુંડલા તેમજ અન્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત ખેડાના વાસો, ડાંગના વઘઈ, ગીર સોમનાથના ઉના અને તાપીના વાલોડમાં પણ મેઘમહેર થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદનું જોર યથાવત રહેવાની શક્યતા છે.













Leave a Reply