Yes TV

News Website

અસહ્ય ઉકળાટ વચ્ચે સુરતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, કારમાં ભૂવામાં ખાબકી

અસહ્ય ઉકળાટ વચ્ચે સુરતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, કારમાં ભૂવામાં ખાબકી
Views 7

કાળઝાળ ગરમી અને અસહ્ય બફારા વચ્ચે સુરતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ધોધમાર વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને તાપમાન ગગડ્યું છે. વરાછા, કતારગામ, અમરોલી, અડાજણ અને પાલ સહિતના વિસ્તારોમાં વરસાદ પડતા રોડ પર પાણી વહેતા થયા હતા. જ્યારે અટોદ્રામાં રાતે વીજળી ગુલ થતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

કારમાં ભૂવામાં ખાબકી
ઉલ્લેખનીય છે કે, સુરતમાં ભૂવા અને ખાડા પડવાનો સિલસિલો યથાવત છે. હજી તો વરસાદ જામ્યો નથી અને રોડ પર ખાડા પડવાની ઘટનાઓ સતત વધી રહી છે. મંગળવારે સવારે મોટા વરાછામાં ભૂવો પડવાની ઘટના બની હતી. હેવન રિવરફ્રન્ટ રોડ પર કારના આગળના બંને ટાયર ભૂવામાં ગરકાવ થઈ ગયા હતા. કાર જતી હતી અને રોડ પર અચાનક ભૂવો પડ્યો હતો.

વરસાદને લઈને રાહતના સમાચાર
ગુજરાતમાં ચોમાસાનું સત્તાવાર આગમન થઈ ચૂક્યું હોવા છતાં હજુ સુધી જોઈએ તેવો સંતોષકારક વરસાદ નોંધાયો નથી. બપોરના સમયે અસહ્ય બફારાથી નાગરિકો પરેશાન છે, પરંતુ હવે ટૂંક સમયમાં જ આ બફારામાંથી મુક્તિ મળવાના સંકેતો દેખાઈ રહ્યા છે. હવામાન વિભાગ અને જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ, આગામી ૨થી ૩ દિવસમાં ચોમાસું સમગ્ર ગુજરાતને આવરી લેશે અને ૧લી જુલાઈથી વરસાદની તીવ્રતામાં મોટો વધારો થશે.

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, બંગાળના ઉપસાગર તરફથી આવતી ચોમાસાની શાખા હજુ સંપૂર્ણ સક્રિય થઈ ન હોવાથી વરસાદ ખેંચાયો છે. હાલ માત્ર સ્થાનિક હવામાન પરિબળોને કારણે છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. જોકે, આજે બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ (લો-પ્રેશર) સર્જાઈ રહ્યું છે, જેના કારણે અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગર બંનેની સિસ્ટમ સંયુક્ત રીતે સક્રિય થતાં જ વ્યાપક વરસાદ શરૂ થશે. આ વર્ષે ચોમાસા પર ‘અલ નીનો’ ની અસર પણ જોવા મળી શકે છે, જેથી ક્યાંક ઓછો તો ક્યાંક અણધાર્યો અતિભારે વરસાદ પડી શકે છે. ત્યારે આગામી દિવસોમાં વરસાદ પડવાની શક્યતા છે અને કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિની પણ શક્યતાઓ છે.

અંબાલાલ પટેલે ખેડૂતો માટે મહત્વની આગાહી કરતા જણાવ્યું છે કે, જુલાઈ મહિનામાં વરસાદની પેટર્ન વધુ સ્પષ્ટ થશે. ૪ જુલાઈ અને તે પછી ૧૬ જુલાઈની આસપાસ પણ ભારે વરસાદી સિસ્ટમ સક્રિય થશે. ઓગસ્ટમાં મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે નર્મદા નદીના જળસ્તરમાં મોટો વધારો થઈ શકે છે. આ વર્ષે ચોમાસું લાંબુ ચાલશે અને સપ્ટેમ્બર-ઓક્ટોબર મહિનામાં પણ ગરમીના કારણે લો-પ્રેશર સર્જાતા વરસાદી ઝાપટાં ચાલુ રહેશે. રાજ્યમાં કુલ સરેરાશ ૮૬ થી ૮૮ ટકા જેટલો વરસાદ નોંધાઈ શકે છે.

કઇ તારીખે ક્યાં વરસાદની વકી
૩૦ જૂન : 
સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, દીવ તેમજ મધ્ય અને દક્ષિણ ગુજરાતના વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે.
૧ જુલાઈ:  વરસાદનું જોર વધશે. જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને દમણ-દાદરા નગર હવેલીમાં મેઘરાજા જોર પકડશે.
૨થી ૪ જુલાઈ : આ દિવસો દરમિયાન દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. અંબાલાલ પટેલના મતે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે. આ સિવાય ઉત્તર અને મધ્ય ગુજરાતના એ વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડશે જ્યાં અત્યાર સુધી ઓછો વરસાદ થયો છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ આ ગાળામાં સારો વરસાદ પડવાની સંભાવના છે.

વરસાદ ન પડતા ગરમી-અસહ્ય બફારો યથાવત્
29 જૂન થઇ ગઇ હોવા છતાં હજુ સત્તાવાર રીતે વરસાદનું આગમન આખા ગુજરાતમાં થયું નથી. જો કે, કેટલાક ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે નૈઋત્ય દિશા તરફથી ભેજ વાળા પવન ફૂંકાઇ રહ્યાં છે. બીજી તરફ તાપમાનનો પારો પણ 40 ડિગ્રીની આસપાસ નોંધાઇ રહ્યો છે. જેના કારણે કાળઝાળ ગરમીની સાથે અસહ્ય બફારાથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. આ ઉપરાંત ડી હાઇડ્રેશન સહિતના કિસ્સામાં પણ વધારો થઇ રહ્યો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *