રાજસ્થાનમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર મંગળવાર અને બુધવારની મધ્યરાત્રિએ ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. હરિદ્વારથી ઈન્દોર જઈ રહેલી મુસાફર બસ ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતાં બસમાં આગ ભભૂકી ઊઠી હતી. આ કરુણ દુર્ઘટનામાં 7 લોકોના મોત થયા છે, જ્યારે 22 મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. બસમાં કુલ 37 મુસાફરો સવાર હતા.
રાત્રે 2:30 વાગ્યે કોલવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અકસ્માત
પોલીસના જણાવ્યા મુજબ, અકસ્માત રાત્રે અંદાજે 2:30 વાગ્યે કોલવા પોલીસ સ્ટેશન વિસ્તાર નજીક એક્સપ્રેસવે પર આવેલા રેસ્ટ એરિયા પાસે થયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે બસમાં મિનિટોમાં આગ ફેલાઈ ગઈ અને બસનો મોટો ભાગ બળીને ખાખ થઈ ગયો. ઘટનાની જાણ થતાં જ પોલીસ, ફાયર બ્રિગેડ અને બચાવ ટીમો સ્થળ પર પહોંચી હતી. આગ પર કાબૂ મેળવ્યા બાદ મુસાફરોને બહાર કાઢી નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
મૃત્યુઆંક 7 પર પહોંચ્યો
એડિશનલ એસપી યોગેન્દ્ર ફોજદારે જણાવ્યું કે શરૂઆતમાં 2 લોકોના મોત અને 17 લોકો ઈજાગ્રસ્ત હોવાની માહિતી મળી હતી. જોકે બાદમાં હોસ્પિટલમાં વધુ મૃતદેહો પહોંચતા અને સારવાર દરમિયાન એક મુસાફરનું મોત થતાં કુલ મૃત્યુઆંક 7 પર પહોંચ્યો હતો. દૌસાના એસપી પીયૂષ દીક્ષિત પણ ઘટનાસ્થળે પહોંચીને બચાવ અને રાહત કામગીરીની દેખરેખ રાખી રહ્યા હતા.
પ્રત્યક્ષદર્શીઓએ વર્ણવી ઘટનાની ભયાનકતા
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, હરિદ્વારથી આવી રહેલી બસ અચાનક નિયંત્રણ ગુમાવી બેઠી હતી અને આગળ જઈ રહેલા ટ્રેલર સાથે જોરદાર અથડાઈ હતી. ટક્કર બાદ બસમાંથી ધુમાડો નીકળવા લાગ્યો અને થોડા જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં અનેક મુસાફરોની હાલત હજુ પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.















Leave a Reply