અમદાવાદમાં સાયબર ગઠિયાઓએ હવે લોકોને છેતરવા માટે એક અત્યંત વેદનશીલ અને ચોંકાવનારી નવી મોડસ ઓપરેન્ડી અપનાવી છે. જેલમાં બંધ કેદીઓના પરિવારજનોની લાગણી અને લાચારીનો ગેરફાયદો ઉઠાવીને ઠગ ટોળકીઓ ઓનલાઈન નાણાં પડાવી રહી છે. આવી જ એક ઘટનામાં, સાબરમતી સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહેલા કેદીના પેરોલ મંજૂર થઈ ગયા હોવાનું કહી માધવપુરાના એક પરિવાર પાસેથી કુલ ₹45 હજારની છેતરપિંડી કરવામાં આવી છે. સમગ્ર મામલે માધવપુરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પરિવારની મજબૂરીનો ગેરફાયદો ઉઠાવ્યો
માધવપુરાના ઇદગાહ સર્કલ નજીક આવેલી ટેકરાવાળી ચાલીમાં રહેતા સુરેશ પટણીના પિતરાઈ ભાઈ અનિલ અને રાહુલ નિકોલના હત્યા કેસમાં ઝડપાયા હતા. જેમાં રાહુલને જામીન મળી ગયા હતા, જ્યારે અનિલ હાલ સાબરમતી સેન્ટ્રલ જેલમાં બંધ છે. અનિલને પેરોલ પર મુક્ત કરાવવા પરિવાર દ્વારા અરજી કરવામાં આવી હતી. સાયબર ગઠિયાઓએ આ જ માહિતીનો લાભ લઈને પરિવારને નિશાન બનાવ્યો હતો.
‘જેલમાંથી બોલું છું’ કહી વિશ્વાસ જીત્યો
થોડા દિવસો પહેલાં સુરેશભાઈને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનાર હિન્દીભાષી શખસે પોતે સાબરમતી જેલનો અધિકારી હોવાનું કહી પરિવારનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કર્યો હતો. તેણે જણાવ્યું કે, “અનિલના 15 દિવસના પેરોલ મંજૂર થઈ ગયા છે, પરંતુ કોર્ટની પ્રક્રિયા માટે તાત્કાલિક ₹15 હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરવા પડશે.”
જ્યારે પરિવારે જેલ પર આવીને રોકડ રકમ આપવાની વાત કરી ત્યારે ઠગે ડર બતાવ્યો કે, “જો તાત્કાલિક ઓનલાઈન પૈસા નહીં મોકલો તો પેરોલ ઓર્ડર રદ થઈ જશે.” ભાઈ બહાર આવી જશે તેવી આશા અને પેરોલ કેન્સલ થવાની ભીતિ વચ્ચે સુરેશભાઈ અને તેમના સંબંધીએ અલગ-અલગ ટ્રાન્ઝેક્શન મારફતે કુલ ₹45 હજાર ટ્રાન્સફર કરી દીધા હતા.
વધુ નાણાં માંગતાં શંકા ગઈ
પૈસા મળ્યા બાદ પણ ગઠિયાની માંગણીઓ અટકી નહોતી. તેણે વકીલની ફી અને અન્ય કોર્ટ ખર્ચના બહાને વધુ નાણાં માંગવાનું શરૂ કર્યું હતું. જોકે, પરિવારને શંકા જતાં વધુ રૂપિયા આપવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ આરોપીએ પોતાનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. છેતરપિંડીનો ભોગ બન્યાનું સમજાતા જ પરિવારજનોએ માધવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે ટેકનિકલ તપાસ હાથ ધરી
માધવપુરા પોલીસે આ મામલે છેતરપિંડી અને આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે કોલ કરનાર નંબરના CDR, લોકેશન અને જે બેંક ખાતામાં રકમ ટ્રાન્સફર થઈ હતી તેની વિગતો મેળવી ટેકનિકલ એનાલિસિસના આધારે આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસો શરૂ કર્યા છે.
સાથે જ પોલીસે નાગરિકોને ચેતવણી આપી છે કે, જેલ, કોર્ટ અથવા સરકારી કચેરીના નામે જો કોઈ વ્યક્તિ ઓનલાઈન નાણાં માંગે તો તેની સત્યતા ચકાસ્યા વગર ક્યારેય પૈસા ટ્રાન્સફર ન કરવા.














Leave a Reply