દ્વારકા : યાત્રાધામ દ્વારકાના પ્રસિદ્ધ દ્વારકાધીશ જગત મંદિરે અધિક પુરુષોત્તમ માસ દરમિયાન ભવ્ય ધાર્મિક ઉત્સવોની શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું છે. વર્ષ દરમિયાન ઉજવાતા વિવિધ પરંપરાગત ઉત્સવો આ પવિત્ર માસ દરમિયાન તિથિ અનુસાર વિશેષ રીતે ઉજવાશે. જેમાં હિંડોળા દર્શન, વસંત પંચમી, રામનવમી, વિજયા દશમી, પુષ્પ શૃંગાર, તુલસી વિવાહ, વામન દ્વાદશી, દેવ દિવાળી, જન્માષ્ટમી, ગોવર્ધન પૂજા અને અન્નકૂટ મહોત્સવ જેવા ઉત્સવોનો સમાવેશ થાય છે.
મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ તા. 20 મે, બુધવારે હિંડોળા ઉત્સવ ઉજવાશે. શ્રીજીના સવાર અને સાંજના દર્શન નિત્યક્રમ મુજબ રહેશે, જ્યારે ઉત્સવ દર્શન સાંજે યોજાશે. તા. 21 મે, ગુરુવારે વસંત પંચમી ઉત્સવ ઉજવાશે અને દર્શન વ્યવસ્થા નિયમિત રહેશે.
તા. 24 મેના રોજ રામનવમી ઉત્સવ ઉજવાશે. સવારે 10:15 થી બપોરે 12 વાગ્યા સુધી દર્શન બંધ રહેશે, ત્યારબાદ બપોરે 12 વાગ્યે ઉત્સવ દર્શન શરૂ થશે. તા. 25 મેના રોજ વિજયા દશમી અને 26 મે, મંગળવારે પુષ્પ શૃંગાર દર્શન યોજાશે. આ બંને દિવસે પણ દર્શન સમય નિત્યક્રમ મુજબ રહેશે અને ઉત્સવ દર્શન સાંજે યોજાશે.
તા. 27 મે, બુધવારે તુલસી વિવાહ ઉત્સવ ઉજવાશે. સવાર અને સાંજના દર્શનનો સમય યથાવત રહેશે, જ્યારે ઉત્સવ દર્શન સાંજે થશે. ત્યારબાદ તા. 28 મે, ગુરુવારે વામન દ્વાદશી ઉત્સવ ઉજવાશે. ઉત્સવ આરતી બપોરે 12 વાગ્યે થશે અને ઉત્સવ દર્શન બપોરે 12 થી 1:30 વાગ્યા સુધી રહેશે.
તા. 31 મે, રવિવારે દેવ દિવાળી (પૂનમ)નો ઉત્સવ ભક્તિભાવથી ઉજવાશે. જ્યારે તા. 8 જૂન, સોમવારે જન્માષ્ટમી મહોત્સવનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. મંગળા આરતી સવારે 6 વાગ્યે થશે અને મંગળા દર્શન સવારે 6 થી 8 વાગ્યા સુધી રહેશે. ત્યારબાદ સવારે 8 થી 8:45 સુધી ખુલ્લા પડદે અભિષેક દર્શન યોજાશે. સવારે 8:45 થી 9:30 સુધી સામાન્ય દર્શન અને ત્યારબાદ શૃંગાર દર્શન શરૂ થશે. રાત્રે 12 વાગ્યાથી 1:30 વાગ્યા સુધી કૃષ્ણ જન્મોત્સવ ભવ્ય રીતે ઉજવાશે.
આ ઉપરાંત તા. 15 જૂન, સોમવારે ગોવર્ધન પૂજા અને અન્નકૂટ મહોત્સવ ઉજવાશે. ગોવર્ધન પૂજા સવારે 11:30 વાગ્યે યોજાશે, જ્યારે અન્નકૂટ ઉત્સવ સાંજે 5 થી 7 વાગ્યા સુધી ભક્તો માટે ખુલ્લો રહેશે. અધિક પુરુષોત્તમ માસ દરમિયાન યોજાનારા આ ધાર્મિક કાર્યક્રમોને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.












Leave a Reply