Yes TV

News Website

નિકોલના જ્વેલર્સમાંથી ₹1.11 કરોડના દાગીના ચોરનાર સેલ્સગર્લ ઝડપાઈ, પ્રેમી સાથે મળીને ઘડ્યું હતું કાવતરું

નિકોલના જ્વેલર્સમાંથી ₹1.11 કરોડના દાગીના ચોરનાર સેલ્સગર્લ ઝડપાઈ, પ્રેમી સાથે મળીને ઘડ્યું હતું કાવતરું
Views 12

અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા ‘અભૂષણ ગોલ્ડ એન્ડ સિલ્વર’ જ્વેલર્સમાં કરોડો રૂપિયાના દાગીનાની ચોરીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શોરૂમમાં સેલ્સગર્લ તરીકે કામ કરતી યુવતીએ જ આયોજનબદ્ધ રીતે અંદાજે રૂ. 1.11 કરોડના સોનાના દાગીનાની ચોરી આચરી હોવાનું સામે આવ્યું છે. ઘટનાના બાદથી ફરાર રહેલી આરોપી યુવતી અને તેના પ્રેમીની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે.

સ્ટોક વેરિફિકેશનમાં 1 કિલોથી વધુ સોનું ગાયબ

નિકોલના અનમોલ સર્કલ પાસે આવેલા ગ્રેવિટી શોપિંગ મોલમાં સ્થિત ‘અભૂષણ ગોલ્ડ એન્ડ સિલ્વર’ શોરૂમના માલિક દર્શનભાઈ જૈને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. શોરૂમમાં કરવામાં આવેલા નિયમિત સ્ટોક વેરિફિકેશન દરમિયાન હિસાબમાં મોટી ગડબડ સામે આવી હતી. તપાસમાં કુલ 1,211.991 ગ્રામ એટલે કે આશરે 1 કિલો 212 ગ્રામ સોનું ગાયબ હોવાનું બહાર આવ્યું હતું.

ચોરાયેલા દાગીનામાં સોનાની ચેઈન, વીંટી, બંગડીઓ, મંગળસૂત્ર, પેન્ડન્ટ, સોનાની ઘડિયાળ સહિતના કિંમતી આભૂષણોનો સમાવેશ થાય છે. આ તમામ દાગીનાની કુલ કિંમત અંદાજે રૂ. 1.11 કરોડથી વધુ હોવાનું જણાવાયું છે.

CCTVમાં કેદ થઈ ચોરીની કરતૂત

સ્ટોકમાં ઘટાડો અને હિસાબમાં ગડબડ સામે આવતા શોરૂમમાં કામ કરતી સેલ્સગર્લ હર્ષિદા શેટ્ટી પર શંકા ગઈ હતી, કારણ કે તે અચાનક ગાયબ થઈ ગઈ હતી. મામલો નિકોલ પોલીસ સુધી પહોંચતા ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી હતી.

પોલીસે શોરૂમના CCTV ફૂટેજ ચકાસતા ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા. વીડિયોમાં હર્ષિદા કબાટમાંથી સોનાના દાગીના કાઢીને પોતાના કપડાંમાં છુપાવતી જોવા મળી હતી. ત્યારબાદ તે ઉપરના માળે સ્ટોરરૂમમાં જઈ પોતાની બેગ લઈને શોરૂમમાંથી નીકળી ગઈ હતી.

પ્રેમીની પણ સક્રિય ભૂમિકા

ક્રાઇમ બ્રાન્ચ અને નિકોલ પોલીસની સંયુક્ત તપાસ દરમિયાન CCTV ફૂટેજ અને ટેકનિકલ એનાલિસિસના આધારે આરોપી હર્ષિદાને અમદાવાદમાંથી જ ઝડપી પાડવામાં આવી હતી. તપાસમાં ખુલ્યું કે આ સમગ્ર કાવતરામાં તેના પ્રેમીની પણ સક્રિય સંડોવણી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, બંનેએ મળીને અગાઉથી યોજના બનાવી ધીમે-ધીમે દાગીના ગાયબ કર્યા હતા. હર્ષિદા પોતાના પ્રેમી સાથે દિલ્હી અને ઋષિકેશ ફરવા ગઈ હોવાનું પણ સામે આવ્યું છે. તેનો પ્રેમી અમદાવાદમાં પ્રિન્ટિંગ મશીનનું કામ કરે છે.

બેન્ક ટ્રાન્ઝેક્શન અને અન્ય કડીઓની તપાસ

હાલ પોલીસે બંને આરોપીઓની અટકાયત કરીને સઘન પૂછપરછ શરૂ કરી છે. સાથે જ તેમના બેન્ક એકાઉન્ટના ટ્રાન્ઝેક્શન અને મોબાઇલ કોલ ડિટેઇલ રેકોર્ડ (CDR)ની તપાસ ચાલી રહી છે. ચોરાયેલા દાગીના વેચવામાં અથવા છુપાવવામાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે નહીં તે દિશામાં પણ તપાસ આગળ વધારવામાં આવી રહી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *