અમદાવાદના સરહદી વિસ્તાર ગણાતા સાંતેજ-વડસર રોડ પર આજે (16મી મે) વહેલી સવારે એક ખાનગી કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.
હાઇટેક ઈલાસ્ટોમર્સ કંપનીમાં વિકરાળ આગ
મળતી માહિતી મુજબ, સાંતેજ-વડસર માર્ગ પર આવેલી હાઇટેક ઈલાસ્ટોમર્સ નામની ખાનગી કંપનીમાં વહેલી સવારે અચાનક આગ ભભૂકી ઊઠી હતી. કંપનીમાં સંગ્રહિત કેમિકલ અને અન્ય જ્વલનશીલ પદાર્થોના કારણે આગે થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘટનાસ્થળેથી ઉઠતા ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાતા હોવાથી આસપાસના વિસ્તારમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો.
આ પણ વાંચો: અમદાવાદ: માણેકચોકમાં જ્વેલર્સની નજર ચૂકવી ઘરેણાં ચોરનાર મહિલા ઝડપાઈ, ચોરી પાછળનું કારણ જાણી પોલીસ પણ ચકરાવે ચડી
ફાયર વિભાગની તાત્કાલિક કાર્યવાહી
આગની જાણ થતાં જ ફાયર કંટ્રોલ રૂમ હરકતમાં આવ્યું હતું. ઘટનાની ગંભીરતાને જોતા ફાયર વિભાગની કુલ પાંચ ગાડીઓ તાત્કાલિક સ્થળ પર મોકલવામાં આવી હતી. ફાયર ફાઇટરો દ્વારા ચારેબાજુથી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવા માટે સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી. વહેલી સવારથી જ બચાવ અને નિયંત્રણ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ રાખવામાં આવી હતી.
આગના કારણ અંગે તપાસ શરૂ
પ્રાથમિક તપાસ મુજબ આગ શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ ટેકનિકલ ખામીના કારણે લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી સત્તાવાર રીતે બહાર આવ્યું નથી. વહેલી સવારનો સમય હોવાથી કંપનીમાં કેટલા કર્મચારીઓ હાજર હતા અને કોઈ અંદર ફસાયું છે કે નહીં તે અંગે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં ફાયર બ્રિગેડની ટીમ આગને વધુ ફેલાતી અટકાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે.












Leave a Reply