અમદાવાદની સોની બજારમાં છેલ્લા ઘણા સમયથી મંદીનો માહોલ યથાવત રહ્યો છે. બજારમાં પહેલાથી જ નબળી સ્થિતિ વચ્ચે હવે વડાપ્રધાનની અપીલ બાદ સોના-ચાંદીની ખરીદીમાં વધુ ઘટાડો નોંધાતા વેપારીઓમાં ચિંતા વધી ગઈ છે. હાલની સ્થિતિ લાંબા સમય સુધી યથાવત રહેશે તો વેપારીઓ, કારીગરો અને સ્ટાફ સહિત હજારો લોકોની આજીવિકા પર ગંભીર અસર પડી શકે છે.
ખરીદીમાં 30થી 35 ટકાનો ઘટાડો
વડાપ્રધાન દ્વારા સોનું ન ખરીદવાની કરાયેલી અપીલની સીધી અસર અમદાવાદ સહિત રાજ્યભરની સોની બજારોમાં જોવા મળી રહી છે. વેપારી સૂત્રોના જણાવ્યા મુજબ, સોના-ચાંદીની ખરીદીમાં આશરે 30થી 35 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. ખાસ કરીને પેન્ડન્ટ, ચેઇન, બુટ્ટી અને વીંટી જેવા નાના ઘરેણાંની માંગમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. બીજી તરફ સોનાના સતત વધી રહેલા ભાવને કારણે ગ્રાહકોમાં પણ અસમંજસની સ્થિતિ સર્જાઈ છે.
ખરીદશક્તિ પર મોંઘવારીની અસર
સોનાના ભાવમાં છેલ્લા બે-ત્રણ વર્ષથી સતત થઈ રહેલા વધારાના કારણે સામાન્ય લોકોની ખરીદશક્તિ પર સીધી અસર પડી છે. જેના કારણે સોની બજારમાં લાંબા સમયથી મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ મોટાભાગના ગ્રાહકો બજારમાં સ્થિરતા અને ભાવમાં ઘટાડાની રાહ જોઈ રહ્યા છે. અત્યારે જે ગ્રાહકો ખરીદી માટે આવી રહ્યા છે તેઓ પણ નવું રોકાણ કરવાને બદલે જૂનું સોનું એક્સચેન્જ કરીને નવું ઘરેણું ખરીદવાનું વધુ પસંદ કરી રહ્યા છે. પરિણામે બજારમાં નવી રોકડની અવરજવર ઘટી ગઈ છે.
લગ્નસરાની સિઝન પહેલા વેપારીઓમાં ચિંતા
સામાન્ય રીતે નવેમ્બર-ડિસેમ્બર મહિનાની લગ્નસરાની સિઝન માટે મે મહિનાના અંતથી અથવા જૂનની શરૂઆતથી જ દાગીનાની ખરીદી શરૂ થઈ જતી હોય છે. જોકે આ વર્ષે બજારની હાલની સ્થિતિને કારણે વેપારીઓ ભારે ચિંતિત બન્યા છે. આગામી સમયમાં લગ્નસરાની ખરીદી પર કેવી અસર પડશે તે અંગે અત્યારથી જ બજારમાં અસમંજસનો માહોલ જોવા મળી રહ્યો છે.
કારીગરો અને સ્ટાફની રોજગારી પર સંકટ
જો સોના-ચાંદીની ખરીદીમાં આ જ રીતે સતત ઘટાડો ચાલુ રહેશે તો તેની અસર માત્ર વેપારીઓ પૂરતી મર્યાદિત નહીં રહે. દાગીનાની ઘડામણ કરતા સ્થાનિક કારીગરો તેમજ મોટા શો-રૂમ અને દુકાનોમાં કામ કરતા હજારો કર્મચારીઓની રોજગારી પણ જોખમમાં મુકાઈ શકે છે. વેપાર લાંબા સમય સુધી મંદ રહેશે તો અનેક પરિવારો માટે ઘર ચલાવવું મુશ્કેલ બની શકે તેવી ચર્ચાઓ હાલ સોની બજારમાં જોરશોરથી ચાલી રહી છે.












Leave a Reply