Yes TV

News Website

PMની અપીલ બાદ ગુજરાતના રાજ્યપાલ હવાઈ મુસાફરી છોડી ટ્રેન-એસટી બસમાં કરશે મુસાફરી

PMની અપીલ બાદ ગુજરાતના રાજ્યપાલ હવાઈ મુસાફરી છોડી ટ્રેન-એસટી બસમાં કરશે મુસાફરી
Views 4

અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા યુદ્ધના તણાવને કારણે મધ્ય-પૂર્વ એશિયામાં ઈંધણની ગંભીર કટોકટી સર્જાઈ છે, જેના પડઘા હવે ભારતમાં પણ જોવા મળી રહ્યા છે. વડાપ્રધાન Narendra Modi દ્વારા દેશવાસીઓને ઈંધણનો બિનજરૂરી વપરાશ ટાળવા અને વધુમાં વધુ જાહેર પરિવહનનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી હતી. આ અપીલને ગુજરાતના રાજ્યપાલ Acharya Devvrat એ અમલમાં મૂકવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે લોકભવન ખાતે અધિકારીઓ અને કર્મચારીઓ સાથે વિશેષ બેઠક યોજી હતી, જેમાં તેમણે જાહેરાત કરી કે દેશમાં પેટ્રોલ અને ડીઝલની પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી તેઓ સરકારી કાર્યક્રમોમાં જવા માટે હેલિકોપ્ટર અથવા વિમાનનો ઉપયોગ નહીં કરે. રાજ્યમાં પ્રવાસ માટે તેઓ ટ્રેન અને એસટી બસને પ્રાથમિકતા આપશે. સાથે જ તેમણે પોતાની ‘Z+’ સુરક્ષાના મોટા કાફલાને પણ મર્યાદિત રાખવા અને જરૂરી હોય ત્યારે જ ઓછી સંખ્યામાં વાહનો સાથે મુસાફરી કરવા સૂચના આપી છે.

માત્ર પોતે જ નહીં, પરંતુ સમગ્ર વહીવટી તંત્ર માટે પણ રાજ્યપાલે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. રાજ્યની તમામ યુનિવર્સિટીઓમાં સાયકલ અને ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવા તેમજ સરકારી કામકાજમાં વાહનોનો બિનજરૂરી ઉપયોગ ઘટાડવા સૂચના આપવામાં આવી છે. ઈંધણ બચત માટે તમામ શક્ય પ્રયાસો કરવા તેમણે અધિકારીઓને આહવાન કર્યું છે.

રાજ્યપાલના આ નિર્ણય બાદ હવે લોકોમાં ચર્ચા શરૂ થઈ છે કે મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓ પણ આ દિશામાં પગલાં ક્યારે લેશે. મધ્ય-પૂર્વમાં વધી રહેલા યુદ્ધના કારણે પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવમાં વધુ વધારો થવાની શક્યતા વચ્ચે લોકોનો મત છે કે રાજ્યના નેતાઓએ પણ હેલિકોપ્ટર અને ખાનગી વિમાનોના ઉપયોગમાં ઘટાડો કરી રેલવે અને એસટી જેવા જાહેર પરિવહનનો ઉપયોગ કરી ઉદાહરણ પૂરું પાડવું જોઈએ.

સરકારી કાર્યક્રમોમાં મોટા વાહન કાફલાઓ પાછળ થતા લાખો રૂપિયાના ખર્ચ અને વધતા પ્રદૂષણ સામે પણ હવે જનતા અવાજ ઉઠાવી રહી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાતના દરેક નાગરિકને ઈંધણ બચાવવાના આ અભિયાનમાં જોડાવા અપીલ કરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *