રાજકોટ-ચોટીલા હાઈવે પર સાંગાણી ગામ નજીક મોડી રાત્રે સર્જાયેલા ભયાનક અકસ્માતે ચકચાર મચાવી દીધી છે. અહીં ખાનગી ટ્રાવેલ્સ બસ અને ડામર ભરેલા ટેન્કર વચ્ચે એટલી ભયંકર ટક્કર થઈ હતી કે પળવારમાં આખી બસ આગના ગોળામાં ફેરવાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં ચાર લોકો જીવતા જ ભડથું થઈ ગયા હતા, જ્યારે 10 જેટલા મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. ઈજાગ્રસ્તોમાં કેટલાકની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. બસ અમદાવાદથી રાજકોટ તરફ જઈ રહી હતી.
મોડી રાત્રે સર્જાઈ ભયાનક હોનારત
પ્રાથમિક માહિતી મુજબ અકસ્માત રાત્રે અંદાજે દોઢથી બે વાગ્યાની વચ્ચે થયો હતો. ટેન્કરમાં ડામર ભરેલું હતું અને તેનું ટાયર અચાનક ફાટતાં ટેન્કર બેકાબૂ બન્યું હતું. તે દરમિયાન પાછળથી આવી રહેલી ટ્રાવેલ્સ બસ તેની સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે બસમાં શોર્ટ સર્કિટ થતા આગ ફાટી નીકળી હતી અને થોડી જ ક્ષણોમાં આખી બસ આગની લપેટમાં આવી ગઈ હતી. મુસાફરોને બહાર નીકળવાનો મોકો મળે તે પહેલાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
આ દુર્ઘટનામાં ચાર લોકોના કરૂણ મોત થયા હતા, જ્યારે 10 જેટલા મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અન્ય કેટલાક મુસાફરો સમયસર બહાર નીકળી જતા બચી ગયા હતા.
પોલીસ અને ફાયરબ્રિગેડની તાત્કાલિક કામગીરી
અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. હાઈવે પર અકસ્માત સર્જાતા લાંબો ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. ઈજાગ્રસ્તોને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.













Leave a Reply