અમદાવાદ શહેરના પોશ વિસ્તારમાં ઘરઘાટી પર રાખેલો વિશ્વાસ એક પરિવાર માટે ભારે સાબિત થયો છે. ગુજરાત યુનિવર્સિટી પોલીસે અંદાજે રૂ. 26 લાખના સોના-ચાંદીના દાગીનાની ચોરીનો ભેદ ઉકેલી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. ઘરઘાટીએ પોતાના દિલ્હીના સાગરિતો સાથે મળીને ઘરમાંથી કિંમતી ઘરેણાં ચોરી કર્યા હતા અને પોલીસની નજરથી બચવા માટે મુદ્દામાલ કુરિયર મારફતે ફરીદાબાદ મોકલી આપ્યો હતો.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે 21 વર્ષીય શંકર અગ્નિપ્રસાદ ફરિયાદીના ઘરે નોકર તરીકે કામ કરતો હતો. તેણે દિલ્હીમાં રહેતા તેના મિત્રો આકાશ ઠાકુર અને અયાઝ ખાન સાથે મળીને ચોરીનું કાવતરું ઘડ્યું હતું. ગત 4 મે, 2026ના રોજ પરિવારના સભ્યો ઘરની બહાર હતા ત્યારે ત્રણેયે મળીને તિજોરીમાંથી કિંમતી દાગીના ચોરી લીધા હતા.
ચોરી દરમિયાન ફરિયાદીના પિતા અચાનક ઘરે આવી જતા આરોપીઓમાં ભાગદોડ મચી ગઈ હતી. આ દરમિયાન શંકર અને આકાશ ઝડપાઈ ગયા હતા, જ્યારે અયાઝ ખાન ફરાર થવામાં સફળ રહ્યો હતો. ભાગતી વખતે આકાશે ફરિયાદીના ડ્રાઈવર પર હુમલો કરીને તેને ઈજા પણ પહોંચાડી હતી.
પોલીસે શંકરની કડક પૂછપરછ કરતા વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો હતો. શંકરે કબૂલ્યું હતું કે તેણે અગાઉ પણ ઘરમાંથી દાગીના ચોરી કર્યા હતા અને પકડાઈ જવાના ડરથી તે દાગીના પ્રાઈવેટ કુરિયર મારફતે ફરીદાબાદમાં તેના ઓળખીતાને મોકલી આપ્યા હતા.
માહિતી મળતા જ ગુજરાત યુનિવર્સિટી પોલીસની ટીમ દિલ્હી અને ફરીદાબાદ રવાના થઈ હતી. પોલીસે ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડી ફરીદાબાદમાંથી કુરિયર પાર્સલ કબજે કર્યું હતું તેમજ દિલ્હીમાંથી ફરાર આરોપી અયાઝ ખાનને પણ ઝડપી પાડ્યો હતો.
પોલીસે આરોપીઓ પાસેથી અંદાજે 36 તોલા સોનાના દાગીના, 67 ગ્રામ ચાંદીના ઘરેણાં અને ઇમિટેશન જ્વેલરી મળી કુલ આશરે રૂ. 25.97 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ઝડપાયેલા આરોપીઓમાં આંબાવાડીમાં ઘરઘાટી તરીકે કામ કરતો અને મૂળ દિલ્હીના રહેવાસી શંકર અગ્નિપ્રસાદ (ઉં.વ.21), દિલ્હીમાં ફૂડ ડિલિવરી બોય તરીકે કામ કરતો આકાશ ઠાકુર (ઉં.વ.23) અને દક્ષિણ દિલ્હીના રહેવાસી અયાઝ અહેમદ ખાન (ઉં.વ.20)નો સમાવેશ થાય છે.
ગુજરાત યુનિવર્સિટી પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે હવે તપાસ શરૂ કરી છે કે આ ટોળકીએ અન્ય કોઈ સ્થળોએ પણ આવી ચોરીઓ અંજામ આપી છે કે કેમ.













Leave a Reply