સુરેન્દ્રનગર જિલ્લાના રતનપર અને જોરાવરનગરના ત્રણ મિત્રો માટે ઉજ્જૈન મહાકાલની યાત્રા દુઃખદ સાબિત થઈ છે. મધ્ય પ્રદેશના બદનાવર નજીક સર્જાયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં બે યુવાનોના કરુણ મોત નિપજ્યા છે, જ્યારે એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ દુર્ઘટનાએ સમગ્ર ઝાલાવાડ પંથકને શોકમગ્ન બનાવી દીધું છે.
મળતી માહિતી મુજબ, ત્રણેય મિત્રો મહાકાલેશ્વર દાદાના દર્શન કરવા અને પોતાની બાધા પૂર્ણ કરવા માટે કાર લઈને ઉજ્જૈન ગયા હતા. દર્શન પૂર્ણ કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે બદનાવર નજીક અચાનક એક બાઈક સવાર કારની સામે આવી ગયો હતો. બાઈક સવારને બચાવવાના પ્રયાસમાં કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે કાર ધડાકાભેર પલટી મારી આશરે 20 ફૂટ ઊંડી ખાઈમાં ખાબકી હતી.
આ ગંભીર અકસ્માતમાં જયદીપસિંહ ઝાલા અને કાનભા પરમારના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે તેમનો મિત્ર યશ દંગી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને તાત્કાલિક સારવાર માટે રતલામની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે.
યુવાનોના પાર્થિવ દેહ વતન પહોંચતા પરિવારજનોમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો હતો. રતનપર ખાતે બંને મિત્રોની અંતિમવિધિ એકસાથે યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો અને ક્ષત્રિય સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. હસતા-રમતા મહાકાલના દર્શન કરવા ગયેલા યુવાનોના અકાળે અવસાનથી સમગ્ર વિસ્તારમાં દુઃખની લાગણી ફેલાઈ ગઈ છે.
હાલમાં સ્થાનિક પોલીસ દ્વારા અકસ્માતના ચોક્કસ કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે.












Leave a Reply