અમદાવાદના ઐતિહાસિક જગન્નાથ મંદિર વિસ્તારને હવે કાશી વિશ્વનાથ કોરિડોરની તર્જ પર ભવ્ય હેરિટેજ ટેમ્પલ લિંક સર્કિટ તરીકે વિકસાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. સાબરમતી નદીના કિનારે આવેલા સપ્તઋષિના આરાથી લઈને જગન્નાથ મંદિર સુધીના અંદાજે બે કિલોમીટર વિસ્તારમાં આવેલા 35 જેટલા પૌરાણિક મંદિરોના જીર્ણોદ્ધાર અને પાથવે નિર્માણ માટે રૂપિયા 20 કરોડના ટેન્ડરને મંજૂરી આપવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ‘મિશન મંદિર’ પ્રોજેક્ટ અંતર્ગત આ સમગ્ર વિકાસકાર્ય ત્રણ તબક્કામાં હાથ ધરાશે અને તેની ડેવલપમેન્ટ પેટર્ન વારાણસીના હેરિટેજ મોડલ જેવી રાખવામાં આવશે.
આ પ્રોજેક્ટ લાંબા સમયથી કાગળો પર અટવાયેલો હતો. વર્ષ 2015થી 2020 દરમિયાન ભાજપના શાસનમાં મંદિર આસપાસના વિસ્તારનો એરીયલ સર્વે સહિતની પ્રાથમિક કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી, પરંતુ આસપાસના સ્લમ વિસ્તાર અને ક્વાર્ટર્સના રિડેવલપમેન્ટને લઈને સ્પષ્ટ નિર્ણય ન થઈ શકતા યોજના અટકી ગઈ હતી. હવે વર્ષ 2025માં પ્રોજેક્ટને નવા સ્વરૂપમાં રજૂ કરીને ફરી મંજૂરી મેળવવામાં આવી છે.
પ્રથમ તબક્કામાં વસંત ચોક, ભદ્ર વિસ્તાર અને એલિસબ્રિજથી નહેરુબ્રિજ વચ્ચે આવેલા અટલ ઘાટ સહિતના વિસ્તારમાં આવેલા પૌરાણિક મંદિરોના સંવર્ધન માટે રૂપિયા 19.61 કરોડના ટેન્ડરને મંજૂરી મળી ગઈ છે. બીજા તબક્કામાં હેરિટેજ સેન્ટર, મલ્ટિલેવલ પાર્કિંગ અને ફૂડ પ્લાઝા વિકસાવવા માટે રૂપિયા 70 કરોડથી વધુના ખર્ચનો પ્રોજેક્ટ મંજૂરી પ્રક્રિયામાં છે. નવા હોદ્દેદારો અને કમિટીઓની રચના બાદ તેની કામગીરી શરૂ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
પ્રોજેક્ટ અંતર્ગત સોમનાથ ભુદરનો આરો, માણેકબુર્જ પાસેનું મહાલક્ષ્મી મંદિર, રામબારી નજીકના મંદિરો, વસંત ચોકનું ગણપતિ મંદિર, મારુતિ મંદિર, કૃષ્ણ મંદિર, રામજી મંદિર અને મહાદેવ મંદિર સહિત અનેક ધાર્મિક સ્થળોના જીર્ણોદ્ધારનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ જગન્નાથ મંદિર સામે ભવ્ય ચોક તૈયાર કરવામાં આવશે અને સાબરમતી નદીના કિનારે હેરિટેજ થીમ આધારિત વિશાળ પ્રવેશદ્વાર પણ બનાવાશે.
જગન્નાથજીની પ્રસિદ્ધ જલયાત્રાના રૂટ પર આવેલા સ્લમ વિસ્તારોના રહેવાસીઓને ઈ.ડબલ્યુ.એસ. આવાસ યોજના હેઠળ પુનર્વસન આપવાની યોજના પણ તૈયાર કરવામાં આવી રહી છે. અસરગ્રસ્તોને નવા મકાનો ફાળવવા માટે રાજ્ય સરકાર સમક્ષ પ્લોટ ફાળવણી અંગે રજૂઆત કરવામાં આવી છે. સમગ્ર બે કિલોમીટરના વિસ્તારમાં હેરિટેજ ઈન્ટરપ્રિટેશન સેન્ટર, પ્લાઝા અને આધુનિક પાર્કિંગ સુવિધા સાથે આધ્યાત્મિક અને પર્યટન વિકાસનું નવું કેન્દ્ર ઊભું કરવાનું આયોજન છે.
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આ પ્રોજેક્ટ માટે રૂપિયા 155 કરોડની ગ્રાન્ટને પ્રાથમિક મંજૂરી આપવામાં આવી છે, જેમાંથી પ્રથમ તબક્કા માટે રૂપિયા 15 કરોડની ગ્રાન્ટ મ્યુનિસિપલ કોર્પોરેશનને ફાળવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.













Leave a Reply