કોંગ્રેસે પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના વધેલા ભાવોને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. ભાવ વધારાને કોંગ્રેસે ‘મોદીની વસૂલાત’ ગણાવી સોશિયલ મીડિયા પર સરકાર સામે મોરચો ખોલ્યો છે.
દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટરે 3-3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. સાથે જ સીએનજી (CNG)ના ભાવમાં પણ પ્રતિ કિલો 2 રૂપિયાનો વધારો ઝીંકાતા દિલ્હીમાં સીએનજીનો ભાવ હવે ₹79.09 સુધી પહોંચી ગયો છે. આ મુદ્દે કોંગ્રેસે ટ્વિટ કરીને વડાપ્રધાન મોદીને ‘ઇન્ફ્લેશન મેન’ તરીકે સંબોધ્યા હતા.
કોંગ્રેસનો આક્ષેપ છે કે ચૂંટણી પૂર્ણ થતાં જ કેન્દ્ર સરકારે જનતા પાસેથી ‘વસૂલી’ શરૂ કરી દીધી છે. સરકારે મિડલ-ઈસ્ટમાં વધતા તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટમાં સર્જાયેલી પરિસ્થિતિને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવ વધ્યા હોવાનું કારણ આપ્યું છે, પરંતુ કોંગ્રેસે તેને સામાન્ય લોકો પર લાદવામાં આવેલો વધારાનો આર્થિક બોજ ગણાવ્યો છે.
વિપક્ષનું કહેવું છે કે ઈંધણના ભાવ વધારાની સીધી અસર પરિવહન ખર્ચ પર પડશે, જેના કારણે જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં પણ વધારો થઈ શકે છે અને સામાન્ય જનતાનું બજેટ વધુ ખોરવાઈ શકે છે.















Leave a Reply