Yes TV

News Website

અમદાવાદમાં તસ્કરોનો આતંક: ત્રણ અલગ-અલગ વિસ્તારોમાં ₹45 લાખથી વધુની મત્તા સાફ

અમદાવાદમાં તસ્કરોનો આતંક: ત્રણ અલગ-અલગ વિસ્તારોમાં ₹45 લાખથી વધુની મત્તા સાફ
Views 9

અમદાવાદ શહેરમાં ઘરફોડ ચોરીની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી હોય તેમ લાગી રહ્યું છે. શહેરના અલગ-અલગ ત્રણ વિસ્તારોમાં થયેલી ચોરીની ઘટનાઓએ પોલીસ તંત્રને દોડતું કરી દીધું છે. અજાણ્યા તસ્કરોએ બંધ મકાનો અને બંગલાઓને નિશાન બનાવી કુલ 45 લાખ રૂપિયાથી વધુની કિંમતના સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ તેમજ ઘરના મંદિરમાંથી કિંમતી મૂર્તિઓની ચોરી કરીને ફરાર થઈ ગયા છે. ત્રણેય બનાવોને લઈને સંબંધિત પોલીસ સ્ટેશનોમાં ફરિયાદ નોંધાઈ છે અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

ચાંદખેડા વિસ્તારમાં ગાયત્રીનગર ખાતે આવેલા એક મકાનમાં 13.59 લાખ રૂપિયાની ઘરફોડ ચોરીનો બનાવ સામે આવ્યો છે. આશ્રમ રોડ પર આવેલી ખાનગી બિલ્ડર કંપનીમાં સાઇટ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા રમેશભાઈ પરિવાર સાથે પાટણ જિલ્લાના પોતાના વતન દિગડી ગામે મંદિરના કામ માટે ગયા હતા. બીજા દિવસે સવારે પાડોશીએ મકાનનો લોખંડનો દરવાજો તૂટેલો જોઈ તેમને જાણ કરી હતી. તસ્કરોએ રસોડાના દરવાજા અને બેડરૂમની બે તિજોરીઓ તોડી 1.10 લાખ રૂપિયાની રોકડ રકમ, સોનાના સળિયા, હાર, મંગળસૂત્ર, વીંટીઓ તેમજ ચાંદીના સિક્કાઓ સહિત કુલ 13.59 લાખ રૂપિયાની મત્તા ચોરી કરી હતી.

બીજી તરફ નારણપુરાના શાસ્ત્રીનગર વિસ્તારમાં પણ ચોરીની ઘટના સામે આવી છે. સાંઈ બાબા મંદિર પાસે આવેલા નિધિ એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં તસ્કરોએ હાથફેરો કર્યો હતો. ફ્લેટ માલિક અંકિતાબહેન રાજપૂત નવા ઘરના રિનોવેશનના કામને કારણે એક રાત માટે અન્યત્ર રોકાયા હતા. બીજા દિવસે સવારે ઘરે પરત ફરતાં તાળું તૂટેલું જોવા મળ્યું હતું. તસ્કરો ઘરના મંદિરમાંથી રામ દરબાર, લક્ષ્મીજી, સરસ્વતી માતા અને ગણપતિજીની ચાંદીની મૂર્તિઓ ઉપરાંત તાંબા અને પિત્તળની કલાકૃતિઓ સહિત અંદાજે 90 હજાર રૂપિયાની મત્તા ચોરી ગયા હતા.

સૌથી મોટી ચોરીની ઘટના સરખેજ વિસ્તારમાં બની છે, જ્યાં એક બંગલામાંથી 31.40 લાખ રૂપિયાની મત્તા ચોરી થઈ ગઈ હતી. 85 વર્ષીય સૌરભભાઈ શોધન અને તેમના પત્ની બંગલાના ઉપરના માળે સૂતા હતા ત્યારે તસ્કરો પાછળના બાથરૂમના દરવાજા મારફતે ઘરમાં પ્રવેશ્યા હતા. સવારે કબાટ તૂટેલા જોવા મળતાં ચોરીનો ભેદ ખુલ્યો હતો. તસ્કરો યુએસ ડોલર, 8 લાખ રૂપિયા રોકડા, સોનાની બંગડીઓ અને સોનાનો કિંમતી હાર લઈને ફરાર થઈ ગયા હતા. પરિવારની આંતરિક ચર્ચા બાદ આ મામલે પોલીસ ફરિયાદ મોડી નોંધાવવામાં આવી હતી.

અમદાવાદના ચાંદખેડા, નારણપુરા અને સરખેજ જેવા મોટા વિસ્તારોમાં એકસાથે સામે આવેલી ચોરીની આ ઘટનાઓને પગલે પોલીસ સતર્ક બની છે. પોલીસે ગુનાઓ નોંધીને આસપાસના CCTV ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી તસ્કરો સુધી પહોંચવા માટે તપાસ તેજ કરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *