અમદાવાદના સૌથી વ્યસ્ત ગણાતા એસ.જી. હાઈવે પર શુક્રવારે બપોરે એક ભયાનક આગની ઘટના સામે આવી છે. મકરબા વિસ્તારમાં આવેલી જાણીતી ‘સોલિટેર બિલ્ડિંગ’ના ત્રીજા માળે અચાનક આગ ભભૂકી ઉઠતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચોથા માળને પણ પોતાની ઝપેટમાં લઈ લીધો હતો.
આગની તીવ્રતા એટલી વધુ હતી કે બિલ્ડિંગના બહારના ભાગે લાગેલા મોટા કાચ ધડાકાભેર તૂટી નીચે પડવા લાગ્યા હતા. જેના કારણે નીચે ઉભેલા લોકો અને રસ્તા પરથી પસાર થતા વાહનચાલકોમાં ભારે ભય અને ગભરાટ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો મોટી સંખ્યામાં સ્થળ પર એકઠા થઈ ગયા હતા.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. ચીફ ફાયર ઓફિસર સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. હાલમાં ફાયર બ્રિગેડની આશરે 10 જેટલી ગાડીઓ આગ પર કાબૂ મેળવવા અને બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે કામગીરી કરી રહી છે.
અહેવાલ મુજબ, આગ લાગી ત્યારે ત્રીજા માળે અંદાજે 15થી 20 કર્મચારીઓ ફસાઈ ગયા હતા. બચવા માટે તેઓ બાજુના રૂમોમાં આશરો લઈ બેઠા હતા. જોકે ફાયરબ્રિગેડની ટીમે સમયસર અને પ્રશંસનીય કામગીરી કરતાં તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવાયા હતા. હાલ કોઈ જાનહાનિ થઈ હોવાની માહિતી સામે આવી નથી.
પ્રાથમિક તબક્કે આગ કયા કારણોસર લાગી તે સ્પષ્ટ થયું નથી. ફાયર વિભાગ દ્વારા આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યા બાદ કારણોની તપાસ હાથ ધરવામાં આવશે.














Leave a Reply