એસ.જી. હાઈવે પર આવેલી સોલિટેર બિલ્ડિંગના ત્રીજા માળે એક ઓફિસની એસી ડક્ટમાં આગ લાગતાં અફરાતફરી મચી હતી. આગે વિકરાળ રૂપ ધારણ કરતાં તે ચોથા અને પાંચમા માળ સુધી પ્રસરી હતી. આ કારણે બિલ્ડિંગની અલગ-અલગ ઓફિસોમાં કામ કરતા કર્મચારીઓ ધુમાડાના કારણે ફસાયા હતા. ફાયર બ્રિગેડની ટીમે દરવાજા અને કાચ તોડીને આગમાં ફસાયેલા 50 લોકોનું રેસ્ક્યૂ કર્યું હતું. આ ઉપરાંત અન્ય 30 લોકોને સ્થળાંતરિત કરીને સહીસલામત નીચે ઉતાર્યા હતા. ધુમાડાના કારણે ગૂંગળામણ થતાં એક યુવક બેભાન થઈ ગયો હતો, જેને ફાયર કર્મચારીઓએ CPR આપીને હોસ્પિટલ ખસેડ્યો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પ્રાથમિક માહિતી મુજબ, એસી ડક્ટમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યા બાદ બ્લાસ્ટ થતાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.
એસ.જી. હાઈવે પર આવેલા સોલિટેર બિઝનેસ પાર્કના ‘બી’ વિંગના ત્રીજા માળે ‘ગીતા પાવર’ નામની કંપનીની ઓફિસ છે. આ ઓફિસની એસી ડક્ટમાં અચાનક આગ ફાટી નીકળતાં નાસભાગ મચી હતી. ઓફિસમાં ફર્નિચરે આગ પકડતા તે ચોથા અને પાંચમા માળ સુધી ફેલાઈ ગઈ હતી. સમગ્ર બિલ્ડિંગમાં ધુમાડાના ગોટેગોટા વચ્ચે અલગ-અલગ ઓફિસોમાં કામ કરતા આશરે 80 લોકો ફસાયા હતા. તીવ્ર ગરમીના કારણે બિલ્ડિંગના કાચ પણ તૂટીને નીચે પડવા લાગ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 20 ગાડીઓ સ્થળ પર પહોંચી ગઈ હતી અને ત્રણ તરફથી પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી.
બીજી તરફ, ફાયરબ્રિગેડની અન્ય ટીમોએ બિલ્ડિંગની ઓફિસોમાં ફસાયેલા 50 લોકોને દરવાજા અને કાચ તોડીને હેમખેમ બહાર કાઢ્યા હતા અને 30 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા. ધુમાડાથી ગૂંગળાયેલા એક યુવકને ફાયર સ્ટાફે ઘટનાસ્થળે જ સીપીઆર આપીને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ મોકલ્યો હતો. એક કલાકની જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવાયો હતો. આગના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળાં એકઠા થઈ જતાં પોલીસને સુરક્ષાના ભાગરૂપે સર્વિસ રોડ બંધ કરવાની ફરજ પડી હતી. શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
કોલ કર્યાના 20 મિનિટ પછી ફાયરબ્રિગેડ આવીઃ સ્થાનિક લોકોનો આક્ષેપ
સોલિટેર બિલ્ડિંગથી પ્રહલાદનગર ફાયર સ્ટેશનનું અંતર માત્ર 1 કિલોમીટર જેટલું જ છે. નિયમ મુજબ કોલ મળતાં જ ફાયર ફાઈટરે 3 મિનિટમાં ઘટનાસ્થળે પહોંચી જવું જોઈએ. જોકે, આ બિલ્ડિંગના ત્રીજા માળે કામ કરતા સુરેશ ચાસિયા નામના યુવકે જણાવ્યું કે, “અમે ઓફિસમાં કામ કરી રહ્યા હતા ત્યારે ફાયર એલાર્મ વાગ્યું હતું. આથી બધા બહાર નીકળ્યા પરંતુ બહાર ધુમાડો એટલો વધારે હતો કે કંઈ દેખાતું નહોતું. તેથી અમે પરત ઓફિસના એક રૂમમાં જઈને દરવાજો બંધ કરી દીધો હતો. ત્યારબાદ અમે ફાયર બ્રિગેડને ફોન કર્યો હતો, પરંતુ ટીમને અહીં પહોંચતા 20 મિનિટ જેટલો સમય લાગ્યો હતો.”
જીવરાજ પાર્ક વિસ્તારમાં બંધ ફ્લેટમાં આગ લાગી
જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલા સહજાનંદ ટાવરના બીજા માળે એક બંધ મકાનમાં અચાનક આગ લાગી હતી. સ્થાનિકોએ ફાયર બ્રિગેડને જાણ કરતાં જ બે ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આ આગમાં ઘરવખરી સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે. મકાન બંધ હોવાના કારણે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.
સાંતેજની ફેક્ટરીમાં આગને બુઝાવવા 18 ગાડી કામે લાગી
અમદાવાદ નજીક આવેલા કલોલ તાલુકાના સાંતેજમાં આવેલી ‘ફેઈથ’ નામની વેક્સ બનાવતી ફેક્ટરીમાં આજે સાંજે ૪-૩૦ વાગ્યા પછી ભિષણ આગ ભભૂકી ઊઠી હતી. આગને કાબુમાં લેવા માટે ગાંધીનગર, અમદાવાદ, કલોલ, એરફોર્સ અને કડી ફાયરબ્રિગેડની ૧૮ ગાડીઓ કામે લાગી હોવા છતાં રાત્રે ૯ વાગ્યા સુધી આગ સંપૂર્ણ કાબુમાં આવી ન હોવાની વિગતો સામે આવી છે. આ બનાવમાં ૩ કર્મચારી દાઝી જતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. સાંતેજ પોલીસ મથકના પીઆઇ એસ.આર મુછાળે જણાવ્યુ કે આગ વિકરાળ હોવાથી ‘મેજર કોલ’ જાહેર કરવામાં આવ્યો હતો. કંપનીમાં મોટા જથ્થામાં વેક્સ (મીણ)નો સ્ટોક હોવાથી આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું. આગના કારણે નીકળતા કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી આકાશમાં જોવા મળ્યા હતા. તે નજરે પડતાં આસપાસના વિસ્તારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.














Leave a Reply