દેશના બે અલગ-અલગ રાજ્યો ઉત્તર પ્રદેશ અને કર્ણાટકમાં શુક્રવારે મોડી રાત્રે સર્જાયેલા બે ભયાનક માર્ગ અકસ્માતોમાં કુલ 9 લોકોના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે એક મહિલાની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. બંને અકસ્માતોએ સ્થાનિક વિસ્તારોમાં શોકનો માહોલ સર્જી દીધો છે.
ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાં ફતેહપુર વિસ્તારમાં બનેલી હૃદયદ્રાવક ઘટનામાં ભારે ગરમી અને વીજળી ગુલ હોવાને કારણે એક પરિવાર રોડ કિનારે સૂતો હતો. ત્યારે રાત્રે આશરે બે વાગ્યે એક બેકાબૂ ડમ્પરે પહેલા ઝાડ સાથે અથડાઈ બાદ પરિવારને કચડી નાખ્યો હતો.
આ અકસ્માતમાં 35 વર્ષીય નીરજ અને તેના 13 વર્ષીય પુત્ર અનુરાગનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલી 10 વર્ષીય દીકરી અંશિકા અને 6 વર્ષીય પુત્ર આશુએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. એક જ પરિવારના ચાર સભ્યોના મોતથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતક નીરજ ભાડેથી વાહન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તેની પત્ની આરતીની હાલત ગંભીર હોવાથી તેને લખનઉની લોહિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
બીજી તરફ, કર્ણાટકના કલબુર્ગી જિલ્લાના લાડજાપુર નજીક પણ શુક્રવારે મોડી રાત્રે ભીષણ અકસ્માત સર્જાયો હતો. અહીં એક કાર અને પૂરપાટ ઝડપે દોડી રહેલી લોરી વચ્ચે સામસામે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને કારમાં સવાર તમામ પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.
ઘટનાની જાણ થતાં જ પોલીસ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. પ્રાથમિક તપાસમાં બંને અકસ્માતો પાછળ અતિશય ઝડપ અને બેદરકારી મુખ્ય કારણ હોવાનું સામે આવ્યું છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને વધુ તપાસ શરૂ કરી છે.















Leave a Reply